રાજકોટ સહિત ગુજરાતભરમાં કાલથી ભાજપની સેન્સપ્રક્રિયા

રાજકોટ મહાનગરમાં ત્રણ ઝોનમાં સેન્સ પ્રક્રિયા, ઉમેદવારોને વ્યક્તિગત નહીં સાંભળે ત્રણ દિવસ નિરીક્ષકો સમક્ષ નિયત નમૂનામાં ફોર્મ ભરશે ટિકીટ વાંચ્છુઓ ગુજરાત નગરપાલિકા મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા…

રાજકોટ મહાનગરમાં ત્રણ ઝોનમાં સેન્સ પ્રક્રિયા, ઉમેદવારોને વ્યક્તિગત નહીં સાંભળે

ત્રણ દિવસ નિરીક્ષકો સમક્ષ નિયત નમૂનામાં ફોર્મ ભરશે ટિકીટ વાંચ્છુઓ

ગુજરાત નગરપાલિકા મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ આગામી ગુરૂવાર બાદ ગમે ત્યારે જાહેર થવધાની ધારણા છે ત્યારે ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો નક્કી કરવાની કવાયત પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ તો પાલિકા-પંચાયતોના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જ્યારે કોંગ્રેસે પણ નિરીક્ષકો નિચી સેન્સપ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે સત્તાધારીપક્ષ ભાજપ દ્વારા આવતીકાલથી ત્રણ દિવસ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે.

ભાજપના સત્તાવધાર સુત્રોના કહેવા મુજબ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતોની કુલ 1300 બેઠકોના ઉમેદવારો નક્કી કરવા માટે આવતીકાલથી ત્રણ દિવસ માટે સેન્સપ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. 3-3 નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે જે આવતી કાલે સવારથી તેની નિયત કરેલી બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરશે.

દરેક શહેર-જિલ્લામાં સેન્સપ્રક્રિયા બે થી ત્રણ દિવસ ચાલશે. બે દિવસમાં જે શહેર-જિલ્લામાં સેન્સ પ્રક્રિયા બાકી રહે ત્યાં ત્રીજા દિવસે સેન્સ લેવામાં આવનાર છે. ત્રણ દિવસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્થાનિક કક્ષાએ સંકલનની બેઠકમાં ત્રણ-ત્રણ ઉમેદવારોની પેનલ બનાવવામાં આવશે અને તા.4 એપ્રિલે સાંજ સુધીમાં આ પેનલોનું લિસ્ટ પ્રદેશ કાર્યાલયમાં જમા કરાવી દેવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોની આખરી પસંદગી કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકના ઉમેદવારો પસંદ કરવા માટે આવતીકાલે સવારથી કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ત્રણ ઝોનમાં કુલ 9 નિરિક્ષકો દ્વારા આવતીકાલથી સેન્સ લેવામાં આવશે. બે દિવસમાં સેન્સપ્રક્રિયા પૂર્ણ કરાશે છતાં બાકી રહે તો ત્રીજા દિવસે પણ નિરીક્ષકો બેસશે.

ત્રણ ઝોનમાં છ-છ વોર્ડની સેન્સ પ્રક્રિયા થશે. ટિકીટ દાવેદારોને વ્યક્તિગત સાંભળવાના બદલે સીધા નિયત નમુનામાં ભરાયેલા ફોર્મ જ નિરીક્ષકો સ્વિકારશે અને તેના આધારે આગળના નિર્ણય લેવામાં આવશે.

રાજકોટ જિલ્લા પં., તા.પં. અને ગોંડલ પાલિકા માટે આવતીકાલે સેન્સ લેવાશે
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાના ઉમેદવારો નક્કી કરવા માટે આવતીકાલે સવારે 9:00 વાગ્યાથી ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવતીકાલે સવારથી જ ધમધમાટ જોવા મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો, વિવિધ તાલુકા પંચાયતોની કુલ 202 બેઠકો તેમજ ગોંડલ નગરપાલિકાની 44 બેઠકો પર દાવેદારી નોંધાવતા કાર્યકરો અને આગેવાનોને સાંભળવા માટેની સેન્સ પ્રક્રિયાની કામગીરી શરૂૂ કરવામાં આવશે. પ્રક્રિયા વ્યવસ્થિત રીતે પાર પડે તે માટે જિલ્લા ભાજપ દ્વારા રાજકોટ લોકસભા અને પોરબંદર લોકસભા એમ બે અલગ-અલગ ઝોન પાડવામાં આવ્યા છે. બંને ઝોન માટે અલગ-અલગ પ્રક્રિયા યોજાશે.બે ઝોન દીઠ ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આમ, આવતીકાલે કુલ છ નિરીક્ષકોની ટીમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહીને ટિકિટ વાચ્છુકો અને સ્થાનિક હોદ્દેદારોની સેન્સ લેવાની કામગીરી ઝીણવટપૂર્વક હાથ ધરશે.

ઉમેદવારોની પસંદગી પહેલા અસંતોષની આગ પ્રગટી
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્વે જ પાર્ટીમાં અસંતોષની આગ ભભૂકી છે. શહેરના વોર્ડ નંબર 14 ના પૂર્વ પ્રમુખ અને છેલ્લા 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા કાર્યકર રાજેશ ટાંકે પક્ષમાંથી રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મીડિયા સાથેની વાતચીતમાં રાજેશ ટાંકે પોતાનો આક્રોશ ઠાલવતા સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પોતાના માટે ટિકિટની માંગણી નહોતા કરી રહ્યા, પરંતુ પાર્ટીમાં જૂના અને પાયાના કાર્યકરોની સતત થઈ રહેલી અવગણનાથી તેઓ નારાજ છે. તેમણે જણાવ્યું હતું કે, “હું છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર રહ્યો છું. મેં ચીમન કાકા, વજુભાઈ વાળા, ગોવર્ધનભાઈ ઓઝા જેવા દિગ્ગજ નેતાઓ સાથે જૂના વોર્ડ નંબર 9 (લક્ષ્મીવાડી, પૂજારા પ્લોટ વિસ્તાર) માં કામ કર્યું છે. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે જૂના કાર્યકરોને કોઈ જ પ્રાધાન્ય આપવામાં આવતું નથી. “પાર્ટીમાં જે ’આયાતી’ લોકો 6 મહિના કે બે-પાંચ વર્ષથી આવ્યા છે, તેમને વિવિધ સેલના પ્રમુખ કે અન્ય જવાબદારીઓ સીધી જ સોંપી દેવામાં આવે છે. તો શું 40 વર્ષથી પાર્ટીને અહીં સુધી પહોંચાડનારા અને પાથરણા પાથરનારા કાર્યકરોએ આખી જિંદગી માત્ર પાથરણા જ પાથરવાના? પાર્ટીમાં જૂના કાર્યકરોને કોઈ હોદ્દો કે ટિકિટ અપાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *