ભાવનગરના વરતેજમાં અન્ય મહિલા સાથેના આડ સંબંધોના કારણે પતિએ પત્નીનું ગળું દાબી હત્યા કરી નાખી હતી. બાદમાં હાર્ટ એટેકથી મોત થયાનું જણાવી દવાખાને લઈ જતાં મૃતક મહિલાના પિતાએ પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરતા પરિણિતાની હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. જે અંગે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ કરી છે.
આ અંગે સિહોરના મઢડા ગામે રહેતા જોરસંગભાઈ દેહાભાઈ ડોડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરી અલ્પાબેનની સગાઈ વરતેજ ખાતે રહેતા અર્જુન કાળુભાઈ પરમાર સાથે નક્કી થઈ હતી. લગ્નનો સમય નજીક આવતા અર્જુન અને તેના પરિવારજનોએ ઉતાવળ દર્શાવી હતી. અલ્પા અને અર્જુન ઘરેથી ભાગી ગયા હતા અને તા. 26-9-2016 ના રોજ કોર્ટ લગ્ન કર્યા હતા. અલ્પાને બે દીકરા હતા, પરંતુ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવાથી માતા-પિતાએ કોઈ સંબંધ રાખ્યો ન હતો.
તાજેતરમાં ગત તા. 8-3-2026 ના રોજ એક લગ્ન પ્રસંગમાં અલ્પાએ તેના ભાઈઓને મળીને દુ:ખ વ્યક્ત કર્યું હતું કે તેના પતિ અર્જુનને અન્ય યુવતી સાથે સંબંધ છે અને તેને ઘરમાં બેસાડવાની વાત કરી અલ્પા સાથે મારપીટ કરે છે.ગત તા. 19-3 ના રોજ અલ્પાનું અવસાન થયું હોવાની જાણ તેના પિતાને કરવામાં આવી હતી. પતિએ હાર્ટ એટેકનું બહાનું બતાવ્યું હતું, પરંતુ શંકા જતાં પરિવારે પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી. અલ્પાના મૃતદેહ પર ગળા અને શરીરના ભાગોમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે કોઈ વસ્તુથી ગળું દબાવીને મોત નિપજાવવામાં આવ્યું છે.
આધારભૂત પુરાવા અને ફરિયાદના આધારે પોલીસે અર્જુનસિંહ કાળુભાઈ પરમાર (ઉ.વ. 31) વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
