25 લાખનો મુદ્દામાલ જપ્ત; સંગ્રહખોરી કરનારા તત્ત્વો પર પોલીસનો પ્રહાર
વર્તમાન વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના પુરવઠામાં અસ્થિરતા સર્જાઈ છે. આ વૈશ્વિક કટોકટીના પગલે ભવિષ્યમાં ઈંધણની ભારે અછત સર્જાશે તેવી સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અફવાઓને કારણે સામાન્ય જનતામાં ‘પેનિક બાયિંગ’ (ગભરાટમાં ખરીદી) જોવા મળી રહ્યું છે. આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવી ગેરકાયદે સંગ્રહખોરી કરતા તત્વો સામે લાલ આંખ કરી નવાબંદર મરીન પોલીસે તડ ચેકપોસ્ટ પરથી 44 બેરલ શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપી પાડીને ત્રણ શખ્સોની અટકાયત કરી 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હાલમાં યુદ્ધની સ્થિતિને પગલે સ્થાનિક બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારે ખાસ પરિપત્ર જાહેર કરી વાહનોની ટાંકી સિવાય અન્ય રીતે ડીઝલના વેચાણ પર કડક પ્રતિબંધ લાદ્યો છે. આ નિયમોનું ઉલ્લંઘન કરી કેટલાક ઈસમો દ્વારા ડીઝલનો જથ્થો એકત્ર કરી તેની ગેરકાયદે હેરફેર કરવામાં આવતી હોવાની સચોટ માહિતી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકને મળી હતી, જેના આધારે ચેકપોસ્ટ પર સઘન પેટ્રોલિંગના આદેશો જારી કરવામાં આવ્યા છે.
તડ ચેકપોસ્ટ પાસે સઘન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ રીતે પસાર થતી ત્રણ બોલેરો ગાડીઓને અટકાવી તલાશી લેતા તેમાંથી 44 બેરલ (આશરે 8800 લિટર) શંકાસ્પદ ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.
વાહનચાલકો આ જથ્થા અંગે સંતોષકારક જવાબ રજૂ કરી શક્યા નહોતા. પરિણામે પોલીસે રૂૂ. 8,00,800ની કિંમતનું ડીઝલ અને રૂૂ. 17,00,000ની કિંમતની ત્રણ બોલેરો મળી કુલ રૂૂ. 25,00,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં પોલીસે કાસિમ મહમદ મનસુરી (રહે. દીવ), અબ્બાસ વલી વાકોટ (રહે. સીમાસી) અને અશ્વિન વીરા વાજા (રહે. દેલવાડા) ની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 287, 288, 54 તથા આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી, આ જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.
