31 માર્ચે વણવપરાયેલી ગ્રાન્ટ જિલ્લાઓએ પરત નહીં કરવી પડે

33 જિલ્લાઓને સીધો લાભ, અધૂરા વિકાસકામો અટકશે નહીં, રાજ્ય સરકારનો નિર્ણય ગુજરાત સરકારે જિલ્લા વહીવટી તંત્રને મોટી રાહત આપતો એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે…

33 જિલ્લાઓને સીધો લાભ, અધૂરા વિકાસકામો અટકશે નહીં, રાજ્ય સરકારનો નિર્ણય

ગુજરાત સરકારે જિલ્લા વહીવટી તંત્રને મોટી રાહત આપતો એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે જિલ્લાઓને વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટની બાકી રકમને આર્થિક વર્ષના અંતે સરકારને પરત કરવી નહીં પડે.
આ નવા નિર્ણય અનુસાર જિલ્લા કલેક્ટર અને સ્થાનિક વહીવટી અધિકારીઓને વિકાસના કામોમાં વધુ લવચીકતા મળશે. અગાઉ વર્ષ પૂરું થતાં ન વપરાયેલી ગ્રાન્ટને સરકારને પાછી આપવી પડતી હતી. આના કારણે અનેક જરૂૂરી વિકાસ કામો અટકી જતાં હતાં અથવા છેલ્લી ઘડીએ અધૂરા રહી જતાં હતાં. હવે આ સમસ્યા દૂર થશે.

નવા નિર્ણય પ્રમાણે જિલ્લાઓને વિવિધ વિકાસ યોજનાઓ હેઠળ મળતી ગ્રાન્ટની બાકી રકમને આગામી આર્થિક વર્ષમાં પણ વાપરી શકાશે. આનાથી વિકાસ કામોની ગુણવત્તા અને ગતિ બંને વધશે કારણ કે ફંડ પરત કરવાની ચિંતા હવે રહેશે નહીં. સ્થાનિક જરૂૂરિયાત અનુસાર લાંબા ગાળાના કામોને પણ વધુ સારી રીતે પૂર્ણ કરવામાં સરળતા થશે. આ નિર્ણયથી રાજ્યના તમામ 33 જિલ્લાઓને સીધો લાભ મળશે. ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રસ્તા, પાણી પુરવઠો, ડ્રેનેજ, આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વના કામોમાં વધુ સારી રીતે ફંડનો ઉપયોગ થઈ શકશે.

વહીવટી સરળતા પણ વધારશે. જિલ્લા અધિકારીઓને વર્ષના અંતે ફંડ પરત કરવાની ઉતાવળ રહેશે નહીં. તેમજ અધૂરા પડેલા કામોને આગળ વધારવા માટે પૂરતો સમય મળશે અને જિલ્લા સ્તરે વધુ સારી યોજના બનાવીને કામો કરવાની સ્વાયત્તતા પણ વધશે. આ નિર્ણયને ગુજરાત સરકારના વિકાસલક્ષી અભિગમનો એક મહત્વનો ભાગ માનવામાં આવી રહ્યો છે. વધુ વિગતો અને અમલીકરણની સૂચનાઓ ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટર કચેરીઓને મોકલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *