જૂનાગઢ સુધી મૂકી જવાની વાત કરી મહિલાને વિશ્ર્વાસમાં લીધી
જેતપુર શહેરમાં બસ સ્ટેન્ડેથી એક મહિલાને વિશ્વાસમાં લઈ અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી હતી. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પીડિત મહિલા રાજકોટ ખાતે તાલીમ લઈને પોતાના વતન પરત ફરતી હતી ત્યારે જેતપુર બસ સ્ટેન્ડ પર ઉતર્યા બાદ એક અજાણ્યા એકટીવા ચાલકે તેને જૂનાગઢ સુધી છોડવાની વાત કરી વિશ્વાસમાં લીધી હતી. મહિલાએ તેની સાથે બેસતા રસ્તામાં આરોપીએ પોતાનું નામ બાદશાહ હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ તેને અવાવરું સ્થળે લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી, પછી તેને અન્ય સ્થળે મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પીડિતાના પરિવારજનોએ સ્થળ અંગે માહિતી મેળવવા માટે તપાસ શરૂૂ કરી હતી. દરમિયાન સંદિગ્ધ સ્થળે પહોંચતાં ત્યાં રહેલી એક મહિલાને પૂછપરછ કરતા તેણીએ પોતાના ઓળખીતાઓને બોલાવ્યા હતા. ત્યારબાદ થયેલી બોલાચાલીમાં બે શખ્સોએ પીડિતાના પતિ પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ મામલે પીડિતાએ મુખ્ય આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જ્યારે પીડિતાના પતિએ હુમલો કરનારાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ગુનાઓ નોંધી તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ રાખી છે.
