ત્રણ વર્ષમાં બમણી રકમ માટે લલચાવી 17 કરોડની છેતરપિંડીની દસાડા પંથકના સોલ્ટ કંપનીધારકની અરજીની તપાસ મામલે આક્ષેપીત રાજકોટના પિતા-પુત્ર સહિત ત્રણ ફાઇનાન્સરની ક્વોશિંગ પિટિશનમાં હાઇકોર્ટને તપાસમાં સંપૂર્ણ સહકારની ખાતરી અપાતા હાઇકોર્ટે આરોપીઓને કડક પગલામાંથી રાહત આપી છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટના ફાઇનાન્સના ધંધાર્થી છગનભાઈ બુસા, આનંદભાઈ બુસા તથા સંજયભાઈ બુસા (ઠે. સ્વાગત, ઇન્દીરા સર્કલ ચોક, રાજકોટ) સામે જામનગરના રાહુલ દવેએ રકમ રૂૂપીયા સતર કરોડ રોકડા તેમની પેઢીને આપેલા હોઈ તે પરત કરતા ન હોઈ તે સંબંધે સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક સમક્ષ અરજી દાખલ કરી હતી. જેમાં ફરીયાદી રાહુલ પ્રફુલચંદ્ર દવે (રહે જામનગર) કે જેઓની સોલ્ટ અને કેમિકલ કંપની દસાડા પંથક (જિ.સુરેન્દ્રનગર)માં હોય મુકામે હોય, તેઓના જામનગર સ્થિત મિત્ર પિયુષ પટેલ દ્વારા છગનભાઈ બુસાના સંપર્કમાં આવેલ અને છગનભાઈ દ્વારા તેમની ફાઇનાન્સ પેઢીમાં રોકાણ કરવા અને રોકાણથી બમણી રકમ ત્રણ વર્ષમાં પરત મળશે તેવી ખાતરી તથા વિશ્વાસ અપાવવામાં આવેલ, જેથી ફરિયાદી રાહુલ દવેએ વિશ્વાસ રાખી છગનભાઈની પેઢીમાં કટકે-કટકે કુલ રકમ રૂૂપિયા 17 કરોડ વર્ષ 2023-2024ના સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર મુકામેથી આપેલા.
થોડા સમય બાદ ફરિયાદીના પરિવારને આર્થિક જરૂૂરિયાત હોવાથી છગનભાઈ બુસાનો સંપર્ક કરી ફરિયાદીએ જમા કરાવેલ રકમની પરત માંગણી કરતા છગનભાઈ દ્વારા જુદા-જુદા વાયદા કરવામાં આવતા અને ફરિયાદીને હિસાબ પણ આપતા ન હોય ફરિયાદીએ સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક સમક્ષ છેતરપિંડી, ઠગાઈ તથા વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરી હતી. જેની તપાસ સુરેન્દ્રનગરના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી રહી હોય અને તેઓ દ્વારા છગનભાઈ, આનંદભાઈ, સંજયભાઈને હાજર રહેવા નોટિસ કરવામાં આવી હતી.
આથી આરોપીઓએ તેમના એડવોકેટ સ્તવન મહેતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે કવોશિંગ પિટિશન દાખલ કરી હતી. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કેસના દસ્તાવેજો અને તપાસની સામગ્રીનું અવલોકન કર્યું હતું. તેમજ સુનાવણી દરમ્યાન રાજ્ય તરફથી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી કે આગામી સુનાવણી સુધી અરજદારો સામે કોઈપણ પ્રકારની દબાણાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. હાઇકોર્ટએ અરજદારોને તપાસ અધિકારી સમક્ષ હાજર રહી સંપૂર્ણ સહકાર આપવા નિર્દેશ આપ્યો છે. આ આદેશના પરિણામે હાલ માટે અરજદારોને ધરપકડથી રાહત મળી છે.
