આરોગ્ય કેન્દ્ર સાંજે 6 વાગ્યે બંધ થયા બાદ સવારે ખુલે છે, વચ્ચે મરણના દાખલા કોણ કાઢી આપે ? : ભાજપ કોર્પોરેટર નિલેશ જલુની મ્યુનિ.કમિશનરને રજૂઆત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી એક નિયમ અમલમાં મુકયો છે જે મુજબ સિનિયર સીટીઝનના મૃત્યુ સમયે અગ્નિદાહ માટે જે તે વિસ્તારનાં કોર્પોરેટરના દાખલાના આધારે ફાયર વિભાગ દ્વારા અગ્નિદાહની મંજુરી માટેનો રિપોર્ટ આપવામાં આવી રહ્યો છે પરંતુ ગત તા.11નાં રોજ મનપાની ચુંટાયેલ પાંખની મુદત પૂર્ણ થતાં કોર્પોરેટરની તમામ સત્તાઓ પૂર્ણ થઈ ગઈ છે. આથી દાખલા માટે મનપાએ તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સુવિધા શરૂ કરી હતી. જેના પ્રથમ દિવસે જ દેકારો બોલી ગયો છે કારણ કે સાંજે છ વાગ્યા બાદ આરોગ્ય કેન્દ્ર બંધ થઈ જતાં હોય અને સવારે નવ વાગ્યે ખુલતાં હોવાથી આ વચ્ચેના સમય દરમિયાન કોઈનું મૃત્યુ થાય ત્યારે સ્વજનોએ 15 કલાક ડેડ બોડી ઘરમાં સાચવી રાખવા મજબૂર બનવું પડી રહ્યું છે અને આ મુદ્દે ભાજપના કોર્પોરેટર નિલેશભાઈ જલુએ મ્યુનિ.કમિશનરને રજૂઆત કરી ત્વરીત ઘટતું કરવા જણાવ્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા મરણના દાખલા માટેનો નવો નિયમ અમલમાં મુકયો જે મુજબ જે વિસ્તારમાં સિનિયર સિટીઝનનું મૃત્યુ થયું હોય ત્યારે અગ્નિદાહ માટેનો ફાયર વિભાગમાં અપાતો દાખલો જે તે વિસ્તારનાં આરોગ્ય કેન્દ્રમાંથી મળવા પાત્ર છે. પરંતુ પ્રથમ દિવસે જ એક વિસ્તારમાં સાંજે છ વાગ્યા બાદ એક સિનિયર સિટીઝનનું મૃત્યુ થતાં સ્વજનો આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતાં ત્યાં તાળુ લાગેલ હોય પરત ફરેલ તેમજ આ બાબતે અનેક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરતાં માલુમ પડેલ કે દરેક આરોગ્ય કેન્દ્ર સવારે નવ વાગ્યે ખુલ્યા બાદ સાંજે છ વાગ્યે બંધ થઈ જાય છે આથી આ સ્વજનોએ ના છુટકે 15 કલાક ડેડ બોડીને ઘરમાં સાચવી રાખવા મજબૂર બન્યા હતાં અને સવારે નવ વાગ્યે આરોગ્ય કેન્દ્ર ખુલ્યા બાદ મરણનો દાખલો મળ્યો હતો.
આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરતાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નિલેશ જલુએ આ મુદ્દે મ્યુનિ.કમિશનરને આજે રજૂઆત કરી સાંજે છ થી સવારના નવ વાગ્યા સુધીમાં મરણ જનારના સ્વજનોને દાખલો મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું હતું. નિલેશ જલુએ મ્યુનિ.કમિશનરને રજૂઆત કરી જણાવેલ કે હાલ શહેરમાં કોર્પોરેટરશ્રીની મુદત પૂર્ણ થયેલ હોય નવા કોર્પોરેટરશ્રીની નિમણુક ન થાય ત્યાં સુધી શહેરમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃધ્ધોના અવસાન વૃધ્ધાવસ્થાના કારણે મૃત્યુ થાય ત્યારે આપ જે મૃત્યુ પામેલના દાખલા બાબત જે સમય સાથે આરોગ્ય કેન્દ્રમાં વ્યસ્વસ્થા ગોઠવેલ તે આપનો નિર્ણય સારો અને સરાહનીય છે પરંતુ આપ સાહેબશ્રીને જણાવવાનું કે સાંજના 6:00 વાગ્યા પછી કોઈપણ વ્યક્તિનું 60 વર્ષથી ઉપરની ઉમરના વૃધ્ધાનું મૃત્યુ થાય છે ત્યારે ગુજરી ગયેલ વ્યક્તિના પરિવારોને મૃત્યુ થનારનો દાખલો કઢાવવા માટે બીજા દિવસે 9:00 પછી જ આરોગ્ય કેન્દ્રમાં મૃત્યુ પામેલનો દાખલો આરોગ્ય કેન્દ્રમાં મળવાપાત્ર થતો હોય છે જેના કારણે મૃત્યુ પામનારના પરિવારજનોને ડેડ બોડી 15:00 કલાક સુધી ઘરમાં રાખવી પડતી હોય છે.
જેના હિસાબે પરિવારજનોને ખુબજ મુશ્કેલીઓ ઉભી થાય છે જે મુશ્કેલી દુર કરવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અથવા સમયમાં સુધારો કરવા સવારનો સમય 9:00 કલાકના બદલે 7;00 કલાકનો અને રાત્રીનો સમય 6:00 કલાકની જગ્યાએ 9:00 કલાકનો મૃત્યુના દાખલા કાઢવાનો સમય સવારના 7:00 કલાકથી રાત્રીના 9:00 કલાક સુધી અવસાન પામેલ પરિવારને દાખલો મળી રહે તેવી આરોગ્ય કેન્દ્રમાં તેમજ વધારાની મેડીકલ ઓફિસરો મૂકી યોગ્ય કરશો
