રાષ્ટ્રીય મહિલા આયોગએ રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ, 1990 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને ’સરકે ચુનર’ ગીતમાં અશ્ર્લીલતા અને અભદ્રતાના આરોપો અંગે સબંધિત મીડિયા અહેવાલો પર સ્વત: સંજ્ઞાન લીધું છે. આયોગે આ મામલે અભિનેત્રી નોરા ફતેહી, રકીબ આલમ, અભિનેતા સંજય દત્ત, વેંકટ કે. નારાયણ (નિર્માતા, કેવીએન ગ્રુપ) અને કિરણ કુમાર (નિર્દેશક) ને આયોગ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.
રાષ્ટ્રીય મહિલા આયોગ તરફથી આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરતા માહિતી આપી છે. આયોગનું કહેવું છે કે, પહેલી નજરે જોતા આ ગીત જાતીય રીતે ઉત્તેજક, વાંધાજનક અને ભારતીય દંડ સંહિતા, માહિતી ટેકનોલોજી અધિનિયમ અને પોક્સો કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન પ્રતીત થાય છે, તેથી આયોગે આ બાબતને ગંભીરતાથી લીધી છે.
આયોગે નોરા ફતેહી, રકીબ આલમ, સંજય દત્ત, વેંકટ કે. નારાયણ અને કિરણ કુમારને મંગળવારે 24 માર્ચના રોજ બપોરે 12:30 વાગ્યે સબંધિત દસ્તાવેજો સાથે હાજર થવા માટે કહ્યું છે. આયોગે કહ્યું કે, ’જો હાજર ન રહેશો તો કાયદા પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે.’ નોરા ફતેહીના આ ગીતને લઈને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ગૂગલ ઈન્ડિયાને નોટિસ ફટકારી છે.
