ભાજપના ‘કોર ગ્રૂપ’માં જૂના જોગીઓની એન્ટ્રી, પાટીલ જૂથ કપાયું

પાટીલ રાજમાં સાઈડ લાઈન થયેલા નેતાઓ આઈ.કે. જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવાનો સમાવેશ ગુજરાત ભાજપ દ્વારા સંગઠનમાં વિવિધ નિમણૂંકો સતત કરવામાં આવી રહી છે. વિવિધ…

પાટીલ રાજમાં સાઈડ લાઈન થયેલા નેતાઓ આઈ.કે. જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવાનો સમાવેશ

ગુજરાત ભાજપ દ્વારા સંગઠનમાં વિવિધ નિમણૂંકો સતત કરવામાં આવી રહી છે. વિવિધ જિલ્લાઓથી લઈને પ્રદેશ કારોબારીમાં વિવિધ નિમણૂંકો કરવામાં આવી રહી છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીએ સૌથી મહત્વની પ્રદેશ સંકલન સમિતિ (કોર ગ્રુપ) ની જાહેરાત કરી દીધી છે. આ કોર ગ્રુપમાં કુલ 11 નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક રિપીટ થયા છે તો કોઈને પડતા મુકવામાં આવ્યા છે. ખાસ કરીને આ કોર ગ્રુપમાં કોરાણે ઘકેલાઈ ગયેલા કેટલાક જુના જોગીઓની એન્ટ્રીએ સૌને ચોંકાવ્યા છે અને સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે કોર ગ્રુપમાંથી પાટીલ જુથને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યું છે.

જગદીશ વિશ્વકર્મા માટે કહેવાય છે તેઓ પ્રયોગ માટે જાણીતા છે. સીઆર પાટીલે 2022માં રચેલી જૂની કમિટીમાં પ્રદેશ મહામંત્રીઓને મહત્વ અપાયું હતું. વિશ્વકર્માએ જૂના નેતાઓ પર વધારે ભરોસો મૂક્યો છે. જેને પગલે જ આઈ કે જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસ્માથી લઈને ગણપત વસાવાનો સમાવેશ કરાયો છે. એક સમયે પાટીલના રાજમાં સાઈડલાઈન થયેલા નેતાઓને હવે પ્રાધાન્ય મળવા લાગ્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સીઆર પાટીલને પણ કોર કમિટીમાં રાખી એમના અનુભવનો નિચોડ લેવાનો પ્રયાસ કર્યો છે.
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા કોર ગ્રુપની જાહેરાત કરવામાં આવી છે. ભાજપમાં પ્રદેશ કક્ષાએ કોર ગ્રુપ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. વિવિધ નિર્ણયોમાં આ કોર ગ્રુપની ભૂમિકા મહત્વની હોય છે. જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યા બાદ આ કોર ગ્રુપની જાહેરાત કરવામાં આવી છે.

જૂની કોર કમિટીમાં પણ સીએમ અને નાયબ સીએમ સહિત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગણપત વસાવા અને જીતુ વાઘાણીનું નામ હતું. જેઓ રીપિટ થયા છે પણ ભાજપે સંગઠનમાંથી બાકાત થયેલા પ્રદીપસિંહ વાઘેલા, રજની પટેલ, વિનોદ ચાવડા અને ભાર્ગવ ભટ્ટને બાકાત રાખ્યા છે. જેઓ એક સમયે પ્રદેશ મહામંત્રીનું પદ સંભાળતા હતા. શંકરભાઈ ચૌધરી હાલમાં વિધાનસભાના અધ્યક્ષ હોવાથી તેનું નામ નવી કોર કમિટીમાંથી બાકાત રહ્યું છે. ભાજપે એક મહિલાનો સમાવેશ કરવા માટે નવી કોર કમિટીમાં રંજનબેન ભટ્ટની જગ્યાએ મંત્રી દર્શનાબેન વાઘેલાનો સમાવેશ કર્યો છે. આમ અહીં મહિલા મંત્રી તરીકે દર્શનાબેનને લોટરી લાગી છે.

ભારતીય જનતા પાર્ટીએ આ પહેલા 21 જાન્યુઆરી 2022મા કોર ગ્રુપની જાહેરાત કરી હતી. હવે નવા કોર ગ્રુપમાં કેટલાક નેતાઓને પડતા મુકવામાં આવ્યા છે. જેમાં ભાર્ગવભાઈ ભટ્ટ, રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, વિનોદ ચાવડા, રંજનબેન ભટ્ટને પડતા મુકવામાં આવ્યા છે. જો કે 2022ના કોર ગ્રુપમાં શંકરભાઈ ચૌધરી પણ સામેલ હતા, જેઓ વર્તમાનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *