ગોંડલના શિવરાજગઢ ગામના યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો
ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે એક વર્ષ પહેલા જ પ્રેમલગ્ન કરનાર યુવાને પત્ની સાથે ઝઘડો થતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલના શિવરાજગઢ ગામે રહેતા ધર્મેશ સુનીલભાઇ સરવૈયા (ઉ.વ.20) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ બેભાન હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. જયાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં ધર્મેશ બે ભાઇમાં નાનો અને તેના ગામમાં ચાની હોટલમાં નોકરી કરે છે. એક વર્ષ પહેલા તેણે દયા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ગઇકાલે પત્ની સાથે ઝઘડો થતા તેણી રિસામણે ચાલી જતા લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
