શહેરમાં માધાપર ચોકડી પાસે આવેલા ફ્લિપકાર્ટની લોજિસ્ટિક કંપની ‘ઇસ્ટાકાર્ટ”ના વેરહાઉસમાં રૂૂ.8.32 લાખની કિંમતના 23 મોબાઈલ ફોનની ચોરી થવાની ઘટનામાં કંપનીના જ એરિયા મેનેજર અને ટીમ લીડર સામે ફરિયાદ નોંધાવી છે. બન્નેએ મિલીભગત કરી કરી ગ્રાહકો દ્વારા રિજેક્ટ કે કેન્સલ કરવામાં આવેલા 23 મોબાઈલ ફોન પરત મોકલવાને બદલે ચોરી કરી વેચી નાખ્યા હતા.
માધાપર ચોકડી પાસે સુમતિ એવન્યુ બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં આવેલ ફ્લિપકાર્ટમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારી રાજ નગરમાં રહેતા મહેશભાઈ મોહનલાલ રાઠોડે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં રૈયા રોડ ઉપર શ્રીજી એવન્યુમાં રહેતા કમલેશ ભીખાભાઈ ડાંગર અને શ્રી સદગુરુ કોલોની, એજી ચોકમાં રહેતા કેતન અરજણભાઈ રાઠોડનું નામ અપાયું હતું. માધાપર ચોકડી પાસે સુમતિ એવન્યુમાં કંપનીનું વેરહાઉસ આવેલું છે. અહીં ગ્રાહકો દ્વારા ઓનલાઈન ઓર્ડર કરાયેલા પાર્સલ આવે છે અને જો કોઈ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે તો તે પાર્સલ નિયમ મુજબ જે-તે શો-રૂૂમ કે વિક્રેતાને પરત કરવાના હોય છે.
ગત તા. 02/02/2026ના કંપનીના ફાઈનાન્સ વિભાગ અને હબ ઇન્ચાર્જ રાજેશભાઈ પંપાણિયા દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, ડેટામાં 23 જેટલા મોબાઈલ ફોન ગુમ બતાવે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વેરહાઉસમાં ટીમ લીડર તરીકે કામ કરતા કમલેશ ભીખાભાઈ ડાંગરએ એરિયા મેનેજર કેતન અરજણભાઈ રાઠોડના કહેવાથી આ 23 મોબાઈલ ફોન શો-રૂૂમમાં પરત કરવાને બદલે ચોરી કર્યા હતા.
