સૌરાષ્ટ્ર- ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં નોંધાપાત્ર ઘટાડો થયો છે અને ગરમીમાં લોકોને રાહત મળી છે. બીજી તરફ આગામી તા.18થી 20 માર્ચ દરમિયાન ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે.
હવામાન પલટાના કારણે ગુજરાતનાં શહેરોમાં તાપમાન 39 ડિગ્રી નીચે આવી ગયું છે. ગઇકાલે રાજકોટમાં સૌથી વધુ 39.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ જયારે અન્ય તમામ શહેરોમાં તાપમાન 39 ડિગ્રી નીચે રહ્યું હતુ.
હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. ત્યારબાદના સમયગાળામાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા મળશે નહીં.
લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, આગામી સાત દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, એટલે કે રાત્રિના સમયે ઠંડકમાં ખાસ કોઈ વધઘટ નહીં થાય.18 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
19 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. તેમજ 20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર જિલ્લાઓમાં તેમજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.
