સોનાની લક્કી પરત માંગતા માથાકૂટ, મારવાડી કોલેજના છાત્રને મિત્રની ધમકી

શહેરના કેનાલ રોડ પર આવેલા જયરાજ પ્લોટ વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય યુવક મીતભાઈ દીપકભાઈ શાહને તેના જ એક ઓળખીતા શખ્સે…

શહેરના કેનાલ રોડ પર આવેલા જયરાજ પ્લોટ વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય યુવક મીતભાઈ દીપકભાઈ શાહને તેના જ એક ઓળખીતા શખ્સે ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. અગાઉ સોનાની લક્કી પરત માંગવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી આ ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ગત તા. 08/03/2026ના રોજ મીતભાઈ પાસેથી તેનો ઓળખીતો મંથન મનીષભાઈ મુંધવા નામનો શખ્સ સોનાની લક્કી પહેરવા માટે લઈ ગયો હતો. બાદમાં જ્યારે મીતભાઈએ પોતાની લક્કી પરત માંગી ત્યારે મંથને તે આપવાની આનાકાની કરી હતી. મીતભાઈએ આ બાબતે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતા મંથને લક્કી પરત તો કરી દીધી હતી, પરંતુ આ વાતનું વેર તેના મનમાં રહી ગયું હતું.

ગઈકાલે તા.13/03/2026ના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ, જ્યારે મીતભાઈ પોતાના ઘરે પરિવાર સાથે હાજર હતા, ત્યારે મંથને મોબાઈલ પરથી ફોન કરીને ઉશ્કેરાઈને વાત કરવાનું શરૂૂ કર્યું હતું. મંથને ફોન પર પડકાર ફેંકતા કહ્યું હતું કે, તું તારા ઘરની બહાર નીકળીને બતાવ, હું મારી ગાડી લઈને તારા ઘરની બહાર જ ઉભો છું. મીતભાઈએ આ અંગે તેમના મોટાબાપુ અનિલભાઈને જાણ કરી હતી.જ્યારે ફરી મંથનનો ફોન આવ્યો ત્યારે સ્પિકર પર વાત કરતા તેણે વડીલની મર્યાદા પણ જાળવી નહોતી. મંથને ઉશ્કેરાઈને કહ્યું હતું કે, તે પોલીસ સ્ટેશન જવાની વાત કેમ કરી હતી? હવે ઘરની બહાર આવ, તને જીવતો નહીં છોડું અને તારા બહુ ખરાબ હાલ કરીશ. સતત મળી રહેલી ગાળો અને જાનથી મારી નાખવાની ધમકીઓને પગલે મીતભાઈએ આ મામલે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *