સોનામાં ઉંચા વળતરની લાલચે બિલ્ડર પાસેથી 39.22 લાખ પડાવ્યા
ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના વધતા વ્યાપ અને વર્તમાન મંદીની સ્થિતિ વચ્ચે ચોર-ચક્કા અને સાયબર ગઠીયાઓ બેફામ બન્યા છે. આવા ગઠીયાઓ લોકોને છેતરવા અનેક કિમીયા અજમાવતા હોય છે. ત્યારે રાજકોટના બિલ્ડર અને વેપારી આવા ગઠિયાનો ભોગ બની રૂૂ. 1.19 કરોડ ગુમાવ્યા છે જેની બે અલગ અલગ ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ છે.બિલ્ડરને સોનામાં ઉચા વળતરની લાલચે રૂૂ.39.22 લાખ પડાવ્યા છે જયારે કપચીના વેપારી જીણી કાંકરી ખરીદીના નામે શીશામાં ઉતારી રૂૂ.80.60 લાખથી ઠગાઈ કરી હતી. ત્રીજા બનાવમાં વિશ્વના 8 અલગ અલગ દેશોમાં વર્ક વિઝાના બહાને 78 જેટલા નોકરી વાન્છુકો પાસથી દિલ્હીની ઠગ ટોળકીએ રૂૂ.3.28 કરોડ પડાવી લીધાના બનાવ અંગે પણ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ છે.
રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ માં નોંધાયેલી અલગ અલગ ફરિયાદમાં કોઠારીયા રોડ ઉપરની આદર્શ શીવાલય સોસાયટીમાં રહેતા બિલ્ડર પાસથી સોનામાં ઉચા વળતરની લાલચ આપી રૂૂ.39.22 લાખની છેતરપિંડી થઇ છે.
જેમાં આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઇ.ડી ધારક યુવતી તેમજ અલગ અલગ વોટ્સએપ નંબર ના ધારક અને અલગ-અલગ બેંક એકાઉન્ટ ધારક તેમજ તપાસમાં ખુલે તે તમામના ફરિયાદમાં નામ આપ્યા છે. સાયબર ક્રાઈમે ભારતીય ન્યાય સહીતા 2023 ની કલમ 318(4), 61(2) તથા આઇટી એકટ 2000 ની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધ્યો છે. બિલ્ડરે ફરિયાદમાં જણાવ્યા મુજબ મે/2025માં બિલ્ડરનો પરિચય આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઇ.ડી ધારક યુવતી સાથે થયો હતો અને આરોહીએ હાલના વધતા જતા સોનાના ભાવ અંગે ચર્ચા કર્યા બાદ સોનામાં ઉચા વળતરની લાલચ આપી પોતે ગોલ્ડ ટ્રેડીંગ લીંક મોકલી હતી જેમાં જોઈન્ટ થવાની વાત કરી હતી જેથી બિલ્ડરે આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઇ.ડી ધારક યુવતીના કહ્યા મુજબ રોકાણ કરવાનું શરુ કર્યું હતું. આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઇ.ડી ધારક યુવતી ની https://momif xpro.org વાળી ફેક વેબસાઇટ બનાવી ગોલ્ડ ટ્રેડીંગમાં ઉંચા પ્રોફિટ આપવાની લાલચ આપી તા. 11/03/2026 સુધી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણ કરાવડાવી બિલ્ડર પાસેથી ઓનલાઇન રૂૂ.39,22,323 જેટલી રકમ પડવી લીધી હતી. આ મામલે ભોબ બનેલા બિલ્ડરે સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, સોનામાં ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂૂપિયાની છેતરપિંડી આચરતી એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો તાજેતરમાં સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગે 235 કરોડથી વધુનાં બેંક ટ્રાન્ઝેક્શન અને અંદાજિત 100 કરોડના ‘આંગડિયા‘ વ્યવહાર દ્વારા લોકોને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં આ છેતરપિંડીનો વ્યાપ એટલો મોટો છે કે જે બેંક એકાઉન્ટ મળ્યાં છે એની સામે દેશભરનાં 26 રાજ્યમાં આ ગેંગ વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ હતી જેમાં દુબઈ, રાજકોટ અને સુરતમાં ઓફિસ ખોલીને મોટાપાયે ચાલતાં શેર અને ગોલ્ડ ટ્રેડિંગના એક રેકેટને સાયબર ક્રાઈમ પોલીસની ટીમે શોધી કાઢીને રાજકોટના પિતા અને તેના બે પુત્રો, બીજા સાગરીતો અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ મળીને કુલ 14 જણાં સામે ગુનો નોંધ્યો હતો ત્યારે બિલ્ડર સાથે થયેલી રૂૂ.39.22 લાખની છેતરપીંડીનું કનેક્શન શોધવા સાયબર ક્રાઈમના પી.આઈ એસ.ડી.ગીલવાની રાહબરીમાં સાયબર ક્રાઈમની ટીમે વધુ તપાસ શરૂૂ કરી છે.
