મનપાનો અણઘડ નિયમ, સ્વિમિંગપુલમાં નવા નિશાળીયાઓને એક વર્ષનું સભ્ય પદ

ત્રિમાસિકના છ સેશન્સ પૂરા કરવાનો નિયમ અભેરાઇએ ચડાવી દેતાં તંત્રને લાખોની નુકસાની, તરવૈયાઓની સમસ્યામાં વધારો ઇન્ડોર સ્ટેડિયમ અને સ્પોર્ટ ફેસિલિટીના ફીના દરો રિવાઇઝડ કરાયા મહાનગરપાલિકાના…

ત્રિમાસિકના છ સેશન્સ પૂરા કરવાનો નિયમ અભેરાઇએ ચડાવી દેતાં તંત્રને લાખોની નુકસાની, તરવૈયાઓની સમસ્યામાં વધારો

ઇન્ડોર સ્ટેડિયમ અને સ્પોર્ટ ફેસિલિટીના ફીના દરો રિવાઇઝડ કરાયા

મહાનગરપાલિકાના તમામ સ્વિમીંગપુલમાં વર્ષ દરમિયાન સ્વિમીંગ શીખતા અને તરવૈયાઓની ભારે ભીડ રહેતી હોય છે. બુકીંગ ઓપન થાય ત્યારે ફકત એક દિવસમાં તમામ સ્વિમીંગપુલ હાઉસફુલ થઈ જાય છે. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા ત્રિમાસિક સભ્યપદનો નિયમ અમલમાં મુકયો છે. જેમાં ત્રિમાસિકના છ સેશન્સ પુરા કરેલા હોય તેવા અનુભવી થઈ ગયેલા સભ્યને એક વર્ષનું સભ્યપદ આપવામાં આવે છે. પરંતુ કોઈપણ કારણોસર હવે આ નિયમમાં અચાનક ફેરફાર કરી એક વર્ષનું સભ્યપદ કોઈપણ વ્યક્તિ લઈ શકે તેવો નિયમ અમલમાં મુકતા ત્રિમાસિક સભ્ય પદ માટે ફોર્મ ભરતાં સભ્યોમાં નિરાશા જાગી છે. જેની સામે નવા નિશાળીયાઓને એક વર્ષનું સભ્ય પદ આપી દેવાતા સલામતીનો ગંભીર પ્રશ્ર્ન ઉભો થયો છે અને તંત્રને વર્ષે લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

ઉનાળાની શરૂઆત થતાં જ લોકો મનપાના સ્વીમીંગપુલમાં ધુબાકા મારવા માટે ધસારો બોલાવે છે ઓનલાઈન સભ્યપદ માટે વેબસાઈટ ખુલતાં જ તમામ સ્વિમીંગપુલના તમામ સ્લોટ હાઉસફુલ થઈ જાય છે. વર્ષોથી નિયમ અમલમાં છે કે નવા સભ્યપને ત્રિમાસિક સભ્યપદ મળવા પાત્ર છે તેવી જ રીતે આ સભ્ય સળંગ દોઢ વર્ષ સુધી એટલે કે છ ત્રિમાસિક સેશન પૂર્ણ કર્યા હોય તેણે તુરંત એક વર્ષનું સભ્યપદ મળવા પાત્ર છે. ત્રિમાસિક સેશન માટે રૂા.670 ફી નિર્ધારિત કરવામાં આવી છે. જેથી છ સેશન મુજબ 4020ની આવક મનપાને થાય છે પરંતુ હવે નવો નિયમ અમલમાં મુકતા એક વર્ષ સભ્ય પદ માટે અરજદારે રા.1070 ચુકવવાના થાય છે. જેના લીધે વાર્ષિક સભ્યપદ લીધા બાદ અનેક અરજદારો ડેઈલી સ્વિમીંગ માટે નહીં આવે તેની સામે રેગ્યુલર સ્વિમીંગ માટે આવતાં અને ત્રિમાસિક સભ્યપદ ધરાવતાં અરજદારોની સંખ્યામાં કાંપ આવશે. આથી તંત્રએ આવક ગુમાવવાની સાથોસાથ ત્રિમાસિક સભ્યો સાથે નાઈન્સાફી કરી હોય તેવો ઘાટ ઘડયો છે.

તેમજ છ સેશન ત્રિમાસિક સ્વિમીંગ કર્યાબાદ મોટાભાગનાં અરજદારો અનુભવી થઈ જતાં હોય છે. આથી સ્વિમીંગ દરમિયાન તેમના ઉપર કોચ દ્વારા વિશેષ ધ્યાન આપવાની જરૂર પડતી નથી અને હવે બિનઅનુભવીને એક વર્ષનું સભ્ય પદ આપી દેવાતા આ અરજદારો સ્વિમીંગ માટે આવશે ત્યારે અનેકની સલામતીનો ગંભીર પ્રશ્ર્ન ઉભો થશે અને આ મુદ્દે અનેક સ્વિમીંગપુલના કોચ દ્વારા અધિકારીનું ધ્યાન દૌરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. છતાં આજ સુધી નવા નિયમની અમલવારી ચાલુ હોવાનું જ પણ જાણવા મળેલ છે આથી આગામી દિવસોમાં ત્રિમાસિક સભ્ય પદ મેળવનારા અરજદારો દ્વારા આ મુદ્દે વિરોધ થાય તેવા અણસાર વર્તાઈ રહ્યાં છે.

અનેક સ્વિમિંગપુલમાં નિયમો કરતાં સંખ્યા વધુ
મહાનગરપાલિકા સંચાલિત દરેક સ્વિમીંગપુલમાં સ્લોટ વાઈઝ અરજદારોને સમય ફાળવવામાં આવ્યો છે. નિયમ મુજબ એક સ્વિમીંગપુલમાં વધારેમાં વધારે 300 સભ્યો રાખી શકાય છે પરંતુ વાર્ષિક સભ્યપદના નિયમોમાં ફેરફાર થતાં અને અમુક લાગવગીયાઓને સ્લોટની સંખ્યા ઉપરાંત ઘુસાડી દેવાતા અનેક સ્વિમીંગપુલમાં આજે 300 થી વધુ સંખ્યા જોવા મળી રહી છે જેના લીધે નવું સ્વિમીંગ શીખતાં અરજદારોની સલામતી ઉપર ગંભીર પ્રશ્ર્નાર્થ ઉભા થયા છે. તેવું જાણકારો કહી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *