મધરાત્રે હજારો લોકો ઉજવણી માટે રસ્તા પર ઉતરી પડતા ઠેરઠેર ટ્રાફિક જામ
રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત સહિતના શહેરોમાં વિજય સરઘસ નિકળ્યા
ટી-20 વર્લ્ડકપમાં ભારત ચેમ્પિયન બનતા જ રાજકોટ સહીત ગુજરાતભરમાં લોકો ઉજવણી માટે રસ્તા પર ઉતરી પડયા હતા અને જાણે આખુ ગુજરાત વિજયોત્સવના જશ્નમાં ડુબ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. રાત્રે રાજકોટમાં પણ રસ્તાઓ ઉપર ઉતરી પડતા તમામ મુખ્ય રસ્તાઓ જામ થઇ ગયા હતા. ક્રિકેટ રસિયાઓ હાથમાં તિરંગા સાથે વંદે માતરમ્, ભારત માતા કી જય જેવા નારા લગાવતા વિજય સરઘસ કાઢીને નીકળતા રેસકોર્ષ આસપાસના રસ્તા બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. ઠેર-ઠેર ભારે ટ્રાફીક જામ થઇ જતા ટ્રાફીક કિલયર કરાવવામાં પોલીસને પરસેવો છુકી ગયો હતો અને ચારેક કલાક સુધી શહેરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો.
ભારતની જીતની જાહેરાત થતા જ ગુજરાતના ખૂણેખૂણેથી ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ શહેરના સિંધુભવન રોડ, શાસ્ત્રીનગર અને નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. યુવાનો હાથમાં ત્રિરંગો લહેરાવીને બાઇક અને કાર પર વિજય સરઘસ કાઢી નીકળ્યા હતા.સુરતના ભાગળ વિસ્તારમાં હજારોની સંખ્યામાં સુરતીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વર્લ્ડ કપની પ્રતિકૃતિ (ટ્રોફી) અને ત્રિરંગા સાથે ભવ્ય આતશબાજી કરીને જીતની ઉજવણી કરવામાં આવી હતી.
વડોદરા અને રાજકોટમાં પણ ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના તાલે લોકો રસ્તા પર ઝૂમી ઉઠ્યા હતા.માત્ર મોટા શહેરો જ નહીં, પરંતુ જૂનાગઢ, ભાવનગર અને પાટણ જેવા શહેરોમાં પણ લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી આવ્યા હતા. રાત્રિના સમયે આકાશ ફટાકડાના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું, જે જોઈને લાગતું હતું કે માર્ચ મહિનામાં જ દિવાળી આવી ગઈ હોય! ભારતની આ જીતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ક્રિકેટ એ ભારત માટે માત્ર રમત નહીં, પણ એક લાગણી છે. મોડી રાત સુધી ગુજરાતના રસ્તાઓ પર ઉત્સાહ ઓસરવાનું નામ નથી લઈ રહ્યો.
