આજે ફરીથી ઇમેઇલ મારફતે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. આજે રાજકોટ, ભુજ અને વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઇમેઇલ દ્વારા ધમકી મળી છે. આ ધમકી મળતાની સાથે બંને કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યા છે. આ ધમકી મળતા પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં પણ આજે ફરી ઇમેઇલમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે તાત્કાલિક આખું કોર્ટ પરિસર ખાલી કરી દેવામાં આવ્યું હતું. આજે ગુરુવારે સવારના સમયે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તમામ કોર્ટના વકીલો અને અન્ય સ્ટાફ સહિત સામાન્ય જનતાને કોર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા. અચાનક આવી કાર્યવાહીને કારણે થોડા સમય માટે તો અફરાતફરીનો માહોલ છવાયો હતો. હાલ પોલીસ સહિતની વિવિધ ટીમોએ કોર્ટનું પરિસર ખાલી કરાવ્યું છે. આ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત વડોદરા કોર્ટને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. જે બાદ કોર્ટ સંકુલમાં દોડધામ મચી ગઈ હતી. વડોદરા વકીલ મંડળના સેક્રેટરીએ તમામ વકીલો અને પક્ષકારોને આ અંગેની જાણકારી આપી હતી. આ ધમકી બાદ આખું કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું છે. આ અંગેની માહિતી મળતા બોમ્બ, ડોગ સ્ક્વોડની ટીમ સહિત પોલીસની ટીમો કોર્ટ પર પહોચીને વધુ તપાસ હાથ ધરી છે. વિવિધ ટીમોની તપાસ શરૂૂ થતા કોર્ટ સંકુલના ગેટ બંધ કરાયા છે. હાલ ગુજરાતની સંખ્યાબંધ શાળાઓને અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઇલ કરનાર પશ્ચિમ બંગાળના સૌરવ બિશ્વાસને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. જેને મેટ્રો કોર્ટમાં રજુ કરતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
