મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારો
ધોરાજી તાલુકાના વાડોદર ગામ વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી માન્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા આપેલી સૂચના અન્વયે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સઘન ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. મિશ્રા, એએસઆઈ વિપુલ ગુજરાતી અને કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ડોડિયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી.
આ માહિતીના આધારે, પાટણવાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વાડોદર ગામમાં બસસ્ટેન્ડ પાસે રહેતા એક શખ્સના મકાન પર એસ.ઓ.જી.ની ટીમે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન કલાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના મેડિકલ ઓફિસર ડો. એમ.જી. કરમટા અને તેમનો સ્ટાફ પણ પોલીસ સાથે જોડાયો હતો.
પોલીસની તપાસમાં સુનિલકુમાર ઉર્ફે મેહુલ ભટ્ટી નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો. આ શખ્સ પોતાના જ રહેણાંક મકાનમાં ’ધાર્મી-ધનવંતરી ક્લીનિક’ના નામે દવાખાનું ચલાવતો હતો. તેની પાસે કોઈપણ જાતની માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તે દર્દીઓને એલોપેથીક ઇન્જેક્શન, એન્ટી બાયોટીક દવાઓ અને સ્ટીરોઇડ ડ્રગ્સ આપી એલોપેથીક ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે સ્થળ પરથી એલોપેથીક દવાઓ, સિરીંજ અને ઇન્જેક્શન સહિત કુલ રૂૂ. 1,08,848/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં એસઓજીના અન્ય સ્ટાફકર્મીઓ જેવા કે એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા અને નૈમીષ મહેતા વગેરે પણ જોડાયા હતા.
