સુરતમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં આજે બાલમુકુન્દ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પતિ, પત્ની અને એક માસૂમ દીકરીનું મોત થયું છે, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે.
આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર બાલમુકુન્દ પરિવારના મોભીએ પોતાની પત્ની અને બે નાની દીકરીઓ સાથે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં પતિ, પત્ની અને એક 5 થી 7 વર્ષની માસૂમ દીકરીના મોત થયું છે. જયારે બીજી દીકરીનો બચાવ થયો છે. હાલ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને પડોશીઓ તેમજ સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં વૈભવ રુંગટા નામના શખ્સ દ્વારા રૂપિયા માટે આપવામાં આવતા ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. હાલ વેસુ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
