ગોંડલનાં જુના માર્કેટયાર્ડમાં ગત સવારે બે ભાઇઓની માથાકુટમાં વચ્ચે પડેલા યુવાન ઉપર છરીથી હુમલો થતા ગંભીર ઈજાઓ પંહોચી હતી. પ્રાપ્ત વિગત મુજબ જૂના માર્કેટ યાર્ડમાં આવેલી દુકાન નંબર 51માં જુસબશાહ મામદશાહ રફાઈ ઉપર છરી વડે હુમલો થયો હતો. રફીકશા ભિખુશા સરવદી એ જુસબશાહ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા જુસબશાહ દુકાનમાંથી બહાર દોડી આવ્યા હતા અને જાતે જ રિક્ષામાં બેસી સારવાર માટે ડો.વાડોદરિયા હોસ્પિટલ પહોંચ્યા હતા.
ઘટનાની જાણ થતાં બી’ ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પીએસઆઇ ડાંગરે ઇજાગ્રસ્ત જુશબશાહ ની ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદ માં જણાવ્યાં મુજબ રફીકશા તથા તેના ભાઇ મહમદશાને પૈસાની લેતીદેતી મુદ્દે જગડો થયો હતો. જેમાં મહમદશાનો મિત્ર જુશબશા વચ્ચે પડતા આ વાત નો ખાર રાખી રફીકશાએ તેની ઉપર છરીથી હુમલો કર્યો હતો. પોલીસે બનાવ અંગે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. હુમલો થયો તે દુકાન માં મહમદશા ભાડૂઆત છે. લોકોમાં ચર્ચાતી વિગત મુજબ જુના યાર્ડમાં આ દુકાનમાં વર્લી મટકાનો જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસે આ હુમલો જુગારની લેતીદેતીના કારણે થયો છે કે અન્ય કોઈ કારણોસર તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
