રાજકોટમાં દારૂ ભરેલી કારે અકસ્માત સર્જ્યો, મહિલાને ઇજા

ફાળડગ ગામ નજીક દારૂ ભરેલી સ્વિફટ કારનો અકસ્માત થતા ચાલક ભાગી ગયો, કારમાંથી 396 દારૂની બોટલ મળી રાજકોટ શહેરની ભાગોળે આવેલા ફાળદંગ ગામ નજીક મોડી…

ફાળડગ ગામ નજીક દારૂ ભરેલી સ્વિફટ કારનો અકસ્માત થતા ચાલક ભાગી ગયો, કારમાંથી 396 દારૂની બોટલ મળી

રાજકોટ શહેરની ભાગોળે આવેલા ફાળદંગ ગામ નજીક મોડી રાત્રે એકાદ વાગે દારૂ ભરીને આવી રહેલી સ્વિફટ કાર અને સામેથી આવી રહેલી મુસાફર ભરેલી ઇકો ગાડી વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતને પગલે ઇકો કારમાં રહેલા ચાલક અને એક મહિલા સહિત ત્રણેક વ્યકિતને ઇજા પહોંચી હતી. ત્યારબાદ આ અકસ્માત અંગેની જાણ થતા આજીડેમ પોલીસનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યા પહોંચી તપાસ કરતા સ્વિફટ કારમાંથી અલગ અલગ બ્રાન્ડની રૂા.1.58 લાખની 396 દારૂની બોટલ મળી આવી હતી. દારૂનો જથ્થો જોઇ પોલીસ પણ ચોંકી ગઇ હતી. આ સાથે પોલીસે અકસ્માત સર્જનાર સ્વિફટ કારના ચાલક વિરૂધ્ધ પ્રોહિબીશન અને અકસ્માતનો ગુનો નોંધી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વધુ વિગતો મુજબ આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, કૃષ્ણવિર ગોહિલ, રમેશભાઇ અને અન્ય સ્ટાફ આજીડેમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે જાણ થઇ કે, આજીડેમ વિસ્તારમાં હડમતીયા ગામથી ફાળદંગ ગામ તરફ જવાના રસ્તે ઇકો કાર અને સ્વિફટ કાર વચ્ચે અકસ્માત થયો છે. જેથી પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે રવાના થયો હતો. અને ત્યા જઇને તપાસ કરતા સ્વિફટ ગાડીમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કારનો ચાલક કાર રેઢી મુકી ભાગી ગયો હતો.

બનાવ અંગે પોલીસે સ્વિફટ કારની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 396 બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે દારૂ ભરેલી કાર કબજે લઇ કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.તેમજ આ અકસ્માતમાં કુવાડવા ગામમાં આવેલી શિવધારા રેસીડેન્સીમા રહેતા રમીલાબેન સુરેશભાઇ જાદવ (ઉ.વ.49) કે જેઓ ઇકો ગાડીમાં હોય તેમને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને તેઓને સારવાર માટે અહીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં દારૂ ભરીને જઇ રહેલો કાર ચાલક અકસ્માત સર્જતા કાર રેઢી મુકી ભાગી ગયો હોય અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *