પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત પ્રવાસ, ભવ્ય સ્વાગત-રોડ શો અને મીટિંગોનો દૌર જામશે
ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન આગામી સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ આ તેમનો પ્રથમ ગુજરાત પ્રવાસ છે, જેને લઈને ભાજપ સંગઠનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસ માટે ગુજરાતમાં રોકાશે અને વિવિધ રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપશે.
નિતિન નબીનના પ્રથમ આગમનને યાદગાર બનાવવા માટે ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં તેમના સ્વાગત માટે એક ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત, તેઓ અમદાવાદમાં એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે, જે માટે અત્યારથી જ આયોજન ઘડાઈ રહ્યું છે.
પોતાના પ્રવાસ દરમિયાન નિતિન નબીન ભાજપના પ્રદેશ મુખ્ય મથક ’શ્રી કમલમ’ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજશે. આ બેઠકમાં પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો તેમજ વિવિધ જિલ્લાના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આગામી સમયમાં આવી રહેલી મહાનગરપાલિકા અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
રાજકીય મહત્વ ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહનું હોમ સ્ટેટ હોવાથી, રાષ્ટ્રીય અધ્યક્ષની આ મુલાકાત વ્યૂહાત્મક રીતે પણ ખાસ છે. સંગઠનાત્મક માળખાની પુન:રચના અને આગામી ચૂંટણીઓની રણનીતિ અંગે તેઓ કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડશે. વિધાનસભા સત્ર દરમિયાન જ આ મુલાકાત યોજાઈ રહી હોવાથી રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાય તેવા એંધાણ છે.
