રૂા.6 કરોડનો કરબોજ: જૂનાગઢ મનપાનું 1491.73 કરોડનું બજેટ મંજૂર

કમિશનર દ્વારા સૂચવેલ 27 કરોડ પૈકી 21 કરોડનો કરબોજ માન્ય રાખી સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીની મહોર મારી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ માટેનું મહત્વાકાંક્ષી બજેટ…

કમિશનર દ્વારા સૂચવેલ 27 કરોડ પૈકી 21 કરોડનો કરબોજ માન્ય રાખી સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીની મહોર મારી

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ માટેનું મહત્વાકાંક્ષી બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવ્યું છે. અગાઉ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને 1501 કરોડ રૂૂપિયાનું બજેટ સુપર્ત કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક વેરા વધારાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જોકે, શહેરની જનતા પર આર્થિક બોજ ન પડે તે હેતુથી સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરના 27 કરોડના સૂચિત વધારામાંથી 21 કરોડ રૂૂપિયાનો વધારો ફગાવી દીધો છે અને માત્ર 6 કરોડનો વધારો માન્ય રાખી કુલ 1491.73 કરોડનું બજેટ રજૂ કર્યું છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે બજેટની વિગતો આપતા જણાવ્યું હતું કે, કમિશનર દ્વારા પાણી વેરામાં 4.50 કરોડ અને દીવાબત્તી કરમાં 2.5 કરોડનો વધારો સૂચવાયો હતો. પરંતુ કમિટીએ આ બંનેમાં એક પણ રૂૂપિયાનો વધારો કર્યો નથી. આ ઉપરાંત ભૂગર્ભ ગટર કનેક્શન ફી જે અગાઉ 8 કરોડ વધારવાનું આયોજન હતું, તેને સંપૂર્ણપણે રદ કરી હવે કનેક્શન ફ્રીમાં આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. અલગ-અલગ કરમાં સૂચવેલા 10 કરોડના વધારા સામે માત્ર 5 કરોડનો જ વધારો માન્ય રાખવામાં આવ્યો છે, જ્યારે ડ્રેનેજ ફીમાં 1 કરોડનો વધારો સ્વીકારવામાં આવ્યો છે.

શહેરના મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોને રાહત આપતા સ્ટેન્ડિંગ કમિટીએ સામાન્ય કરના બેઇઝ રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આ સાથે જ દુકાનોના ભાડા, એમ્બ્યુલન્સ ફી, રેવન્યુ વિભાગની વિવિધ વસુલાત ફી, સ્વિમિંગ પૂલ ચાર્જ, ફાયર સેફટી ચાર્જ, વ્હીકલ ટેક્સ અને ડેવલોપમેન્ટ ફીમાં પણ કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. આ નિર્ણયથી જૂનાગઢના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને મોટી આર્થિક રાહત મળશે.

શહેરના વિકાસના કામો વિશે માહિતી આપતા બજેટમાં જણાવાયું છે કે, જૂનાગઢનો વિકાસ હાલ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ લોકોને સમયસર અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે બજેટમાં પૂરતી જોગવાઈ કરવામાં આવી છે. પ્રવાસન અને પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે નરસિંહ મહેતા તળાવ, વાઘેશ્વરી તળાવ અને વિલિંગ્ડન લેક (લોલ તળાવ)ના બ્યુટિફિકેશન અને વિકાસ માટે પણ વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

જૂનાગઢ એક ઐતિહાસિક અને હેરિટેજ સિટી હોવાથી તેના વારસાને જાળવવા માટે બજેટમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં નવી ’હેરીટેજ સ્ટ્રીટ’ બનાવવાની યોજના છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન આપવા વિવેકાનંદ સ્પોર્ટ્સ સંકુલની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે. આ સંકુલમાં આધુનિક ક્રિકેટ પીચ, પ્રેક્ટિસ પીચ, બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ અને સ્કેટિંગ ટ્રેક જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *