ધૂણા ધખાવતા સાધુઓ રૂપિયા ખર્ચી પાણીની બોટલો લેવા મજબૂર, તંત્રએ કરેલા 140 પોઈન્ટના દાવા પોકળ સાબિત થતા ભારે રોષ
જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ ક્ષેત્રમાં 11મી ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીના મિની કુંભમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મેળાના આયોજનને લઈને તંત્ર મોટા-મોટા દાવાઓ કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. મેળામાં ભાગ લેવા આવેલા સાધુ-સંતોએ અત્યારથી જ પાયાની સુવિધાઓના અભાવે આક્રોશ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને પીવાના પાણી અને શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી સાધુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ધુણો ધખાવી બેઠેલા ઓમકારપુરીએ જણાવ્યું હતું કે, શિવરાત્રીના મેળામાં સાધુઓ માટે ’ધુણો’ અત્યંત પવિત્ર અને મહત્વનો હોય છે. ભવનાથ ક્ષેત્રમાં આવેલા સાધુ-સંતોએ પોતાની ધુણી ધખાવવાની તૈયારીઓ શરૂૂ કરી દીધી છે, પરંતુ આ કાળઝાળ ગરમીમાં તેમને પીવા માટે શુદ્ધ પાણી પણ મળી રહ્યું નથી. સાધુઓએ આક્ષેપ કર્યો છે કે મેળાના મેદાનમાં ક્યાંય પણ તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલમાં સાધુઓએ 30 થી 40 રૂૂપિયા ખર્ચીને પાણીની બોટલો વેચાતી લેવી પડે છે. ગંભીર બાબત એ છે કે આ વેચાતી બોટલો પણ ઘણીવાર સીલપેક હોતી નથી, જે સાધુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે.
ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર પર્વત ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ છે. તંત્ર દ્વારા પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે શેરડીના કૂચામાંથી બનેલી બોટલો કે અન્ય પર્યાવરણ ફ્રેન્ડલી પેકિંગની વાતો કરવામાં આવે છે, પરંતુ કઈ બોટલ વેચવી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ અનિશ્ચિતતાનો ભોગ ભોળા સાધુઓ અને ભાવિકો બની રહ્યા છે, જેમને મનફાવે તેવા ભાવે પાણી ખરીદવું પડે છે.
સાધુઓએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર પાણી જ નહીં પણ યોગ્ય શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. જો તંત્ર દ્વારા સમયસર વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સાધુઓને અને આવનારા લાખો ભાવિકોને ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડશે, જેનાથી મેળામાં ગંદકી ફેલાશે. મિની કુંભમેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે તંત્રની આવી બેદરકારી ગંભીર સાબિત થઈ શકે છે.
તંત્રના દાવા માત્ર કાગળ પર રહ્યા
બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે મેળાના વિસ્તારમાં 140 સ્થળોએ પીવાના પાણીની પરબ અને 30 જેટલા પોઈન્ટ પર છઘ નું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે. પરંતુ મેદાનમાં ઉતરેલા સાધુઓના મતે આ બધું માત્ર કાગળ પર છે. ધુણી સળગાવવા માટે લાકડાની કે રહેવાની કોઈ સુવિધા હજુ સુધી પૂરતી મળી નથી. હવે જોવાનું એ રહ્યું કે મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના કુંભમેળા જેવી વ્યવસ્થાના દાવા કરતું જૂનાગઢનું તંત્ર સાધુઓની આ રજૂઆતને ગંભીરતાથી લે છે કે પછી આ વર્ષનો મેળો માત્ર ’સરકારી મેળો’ બનીને રહી જશે. જો સાધુ-સંતો સંતુષ્ટ નહીં હોય તો મિની કુંભની ગરિમા જળવાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
