રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય તેમજ ઔદ્યોગીક હબ તરીકે ગણાય છે અને વિદેશી બજારોમાં રાજકોટના ઉત્પાદનોની મજબુત માંગ છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અમેરીકાના 50% ના વધારાના ટેરીફ દરના કારણે રાજકોટ-સૌરાષ્ટ્રના MSME તેમજ નિકાસકારોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો હતો અને અમેરીકન માર્કેટમાં ઓર્ડરો ઘટતા આર્થિક નુકશાન સહન કરવું પડયું હતું. ખાસ કરીને એન્જીનીયરીંગ ગુડસ, ઓટો પાર્ટસ, એગ્રીકલ્ચર પ્રોડકટસ, ટેકસટાઈલ, કાસ્ટીંગ સહિત અન્ય ઉદ્યોગો પર તેની ગંભીર અસ2 પહોંચી હતી. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અમેરીકાના વધારાના ટેરીફ દરના કારણે નિકાસકારોને જે અસહય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો હતો તે અંગે તેમજ છેલ્લા છ મહિનામાં આશરે 35% જેટલા નિકાસમાં થયેલ ઘટાડાની આંકડાકીય માહિતી આપીને નિકાસને વેગવંતુ બનાવવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર સમક્ષ ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ હતી.
આમ અમેરીકા દ્વારા 50% ના બદલે 18% ટેરીફ દર માટેની ટ્રેડ ડીલની જાહેરાત કરીને ભારત-અમેરીકા વચ્ચેના થયેલ વ્યાપારીક સમજુતી કરારને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સહર્ષ આવકારે છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલને હાર્દિક અભિનંદન પાઠવે છે. બન્ને દેશોના સમજુતી કરાર થકી અમેરીકા માટેની નિકાસ ફરી ગતિ પકડશે. તેમજ તેની સાથે યુરોપ સહિત અન્ય વૈકલ્પીક બજારોમાંથી પણ નવા ઓર્ડરો મળવાની આશા છે.
તેથી નિકાસકારોને ડબલ લાભ થશે. નિકાસમાં વધારાથી માત્ર ઉદ્યોગોને જ નહીં પરંતુ રોજગારી સર્જન અને ઉત્પાદનમાં પણ સકારાત્મક અસર પડશે. સાથે સાથો ભારતીય અર્થતંત્રને પણ વધુ વેગ મળશે. સરકારની સહાયક નીતિઓ અને વૈશ્વીક સ્તરે સ્થિતરતા રહે તો આવનારા સમયમાં રાજકોટ-સૌરાષ્ટ્રની નિકાસ નવી ઉચાઈઓ સર કરશે. આમ આ સમજુતી કરાર બન્ને દેશો વચ્ચેના વ્યપારીક સબંધોને વધુ મજબુત બનાવશે તેમજ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ માટેના નવા અવસરો ઉભા કરશે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.
