માર્કેટ યાર્ડ પાસે પોલીસ ઉપર પથ્થરમારો કરનાર દલાલ એસો.ના પ્રમુખ સહિત 32નો છૂટકારો

આરોપીઓની ઓળખ અંગે વિરોધાભાષ, ફરિયાદ પક્ષ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ જતાં અદાલતનો ચુકાદો રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસ બાબતે આંદોલનના હેતુથી યાર્ડ નજીક હાઈ-વે…

આરોપીઓની ઓળખ અંગે વિરોધાભાષ, ફરિયાદ પક્ષ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ જતાં અદાલતનો ચુકાદો

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસ બાબતે આંદોલનના હેતુથી યાર્ડ નજીક હાઈ-વે પર ચક્કાજામ કરી પોલીસ ઉપર પથ્થરમારો કરી હુલ્લડ મચાવવાના કેસમાં માર્કેટ યાર્ડના દલાલ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી સહિત 32 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસ અદાલતમાં ચાલી જતાં આરોપી પક્ષની દલીલો અને ફરિયાદ પક્ષ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ જતાં કોર્ટે દલાલ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી સહિત તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ, રાજકોટ બેડી માર્કેટ યાર્ડ પાછળથી આજી નદી પસાર થતી હોય જેમાં ગાંડી વેલના કારણે મચ્છરોનો અસહ્ય ત્રાસ હોય જેના કારણે માર્કેટ યાર્ડના વેપારીઓ અને મજુરો ત્રાસી ગયા હોય જેથી વર્ષ 2020માં યાર્ડના દલાલ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી, ખેડૂત આગેવાનો અને અન્ય આરોપીઓ મળી અંદાજે 300 લોકોના ટોળાએ મચ્છરના ત્રાસ બાબતે આંદોલન કરી યાર્ડ નજીક મોરબી હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. જેથી પેાલીસ અધિકારી અને કર્મચારીઓએ ફરજના ભાગરૂપે ટોળાને હટાવવા માઈકથી સુચના અને ચેતવણી આપી હોવા છતાં ટોળા વિખેરાતા ન હોવાથી લાઠી ચાર્જ કરતાં આરોપીઓેએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં ત્રણ પોલીસ કમર્ચારીઓને ઈજા પહોંચી હતી. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસ મથકના પોલીસ કર્મચારી જગમાલ નાજાભાઈ ખટાણા દ્વારા તા.17-2-2020નાં રોજ દલાલ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણી સહિત 32 આરોપીઓ વિરૂધ્ધ પોલીસ પર પથ્થરમારો, ફરજમાં રૂકાવટ અને હુલ્લડ મચાવવા સહિતની કલમ હેઠળ ફરિયાદ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ કર્યુ હતું.

આ કેસ ચાલવા ઉપર આવતાં ફરિયાદ પક્ષે 14 સાક્ષીઓને તપાસવામાં આવેલા અને છ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતાં. જ્યારે સામાપક્ષે આરોપીઓના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા ધારદાર રજૂઆતો કરી હતી. જેમાં દલાલ એસોસીએશનના પ્રમુખ કોંગ્રેસી હોય તે જૂથને દબાવવા સાશક પક્ષના હોદ્દેદારો દ્વારા ષડયંત્ર રચ્યું હોવાનું પુરવાર થાય છે અને સીસીટીવી ફુટેજ રજૂ કરવામાં આવ્યા હતાં. આરોપી ઓ દ્વારા ઈજા પહોંચાડી હોવાનું સાબિત થતું નથી અને પોલીસ દ્વારા મુદ્દામાલ તરીકે પથ્થરો કબજે કરવામાં આવ્યા નથી. મચ્છરોના ત્રાસ બાબતે મુશ્કેલીઓને વાચા આપવા દલાલ એસોસીએશન આગળ આવતાં વિરોધ પક્ષ લોકપ્રિયતા અને જશ મેળવી જશે તેવા શાસક પક્ષના ડરથી ઉશ્કેરણી થયાનું જણાવવામાં આવ્યું હતું.

તમામ પક્ષની રજૂઆતો રેકર્ડ પરના પુરાવાઓ અને આરોપીઓની ઓળખ અંગે મહત્વનો વિરોધાભાષ રહેલો હોય ફરિયાદ પક્ષ આરોપીઓ ઉપર મુકવામાં આવેલ આરોપ નિશંકપણે પુરવાર કરી ન શકતાં આરોપીઓને તકસીરવાન ઠેરવી શકાય નહીં તેમ જણાવી રાજકોટના એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા દલાલ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી સહિત તમામ 32 આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો. આ કેસમાં તમામ આરોપી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા રોકાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *