ગાંઠીલા ઉમિયાધામ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં સામાજિક દૂષણો સહિતના ગંભીર મુદ્દાઓ પર ગહન ચર્ચા કરાઇ, જૂનાગઢમાં ટૂંક સમયમાં રેલીનું આયોજન
વંથલી તાલુકાના ગાંઠીલા ખાતે આવેલ સુપ્રસિદ્ધ કડવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર ઉમાધામ ઉમિયા માતાજી મંદિર ખાતે પાટીદાર સમાજની એક મહત્વપૂર્ણ ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં સમાજની એકતા, યુવાનોનું ભવિષ્ય, રાજકીય પ્રતિનિધિત્વ અને સામાજિક દૂષણોને ડામવા જેવા અનેક ગંભીર મુદ્દાઓ પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ શિબિર આગામી સમયમાં પાટીદાર સમાજની નવી રણનીતિ નક્કી કરવા માટેનો પાયો સાબિત થશે તેવું દેખાઈ રહ્યું છે.
ચિંતન શિબિરને સંબોધન કરતા પાટીદાર અગ્રણી વરુણ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનને કારણે આજે સમાજને શિક્ષણ અને રોજગારમાં ઊઠજ અનામતનો લાભ મળી રહ્યો છે. પરંતુ આ આંદોલનમાં 14 યુવાનોએ શહીદી વહોરી છે અને સમાજને રાજકીય રીતે પણ મોટું નુકસાન થયું છે. તેમણે સંકલ્પ જાહેર કર્યો હતો કે આગામી સમયમાં ગ્રામ પંચાયતના સરપંચથી લઈને દેશની સંસદ સુધી પાટીદારોની સંખ્યા બમણી કરવામાં આવશે. આ સાથે જ તેમણે સરકારને ચીમકી આપી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આર્થિક ધોરણે અનામત (ઊઠજ) લાગુ થવું જોઈએ.
વરુણ પટેલે ગાંઠીલામાં ઓઝત નદી પર છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા બ્રિજના ધીમા કામને સમાજ માટે કલંકરૂૂપ ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે માતાજીના ધામને વિકાસથી અળગો રાખવાની સાજિશ ચાલી રહી છે. આ વિકાસના કામો તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ સાથે તેમણે જાહેર કર્યું હતું કે, આગામી 30 દિવસમાં જૂનાગઢ ખાતે એક જંગી સભા અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવશે, જે સૌરાષ્ટ્રના ઈતિહાસમાં એક નવો વળાંક આપશે.
શિબિરમાં મોરબીના પાટીદાર અગ્રણી મનોજ પનારાએ યુવા પેઢીને જાગૃત કરતા જણાવ્યું હતું કે, યુવાનોએ જુગાર, દારૂૂ અને ડિજિટલ ગેમિંગ જેવા દૂષણોથી દૂર રહેવું જોઈએ. તેમણે વ્યાજખોરીના રાક્ષસ સામે લડત ચલાવી અનેક પાટીદાર યુવાનોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે અને તેમની ગિરવે મુકેલી જમીનો પરત અપાવી છે. તેમણે સમાજને વ્યાજમાફિયાઓ સામે સંગઠિત થઈને લડવા આહવાન કર્યું હતું.
ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-ગાંઠીલાના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયાએ શિબિરના હેતુ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ચિંતન બેઠક સમાજની એકતા અને વિકાસ માટે છે. ખાસ કરીને ભાગેડુ લગ્નપ્રથા વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારે આ અંગે જે વચન આપ્યું હતું તે વહેલી તકે પૂરું કરે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. આ ઉપરાંત ગાંઠીલા સોનારડી રોડનું કામ શરૂૂ કરવા અને અહીં રિવરફ્રન્ટ બનાવવા માટે સરકારમાં ટૂંક સમયમાં રજૂઆત કરવામાં આવશે.
ચિંતન શિબિરમાં ઊઠજ યોજનાના લાભો વિશે યુવાનોમાં જાગૃતિ લાવવા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળે તે દિશામાં કામ કરવાની ખાતરી આપવામાં આવી હતી. સમાજમાં રાજકીય જાગૃતિ આવે અને સંગઠન વધુ મજબૂત બને તે માટે યુવાનોને આગેવાનોના આદેશને ઝીલી લેવા અપીલ કરવામાં આવી હતી. રાજકીય પ્રતિનિધિત્વ વધારવા માટે આગામી સમયમાં રણનીતિ ઘડવામાં આવશે.જ્યારે પત્રકારોએ આ બેઠકને ચૂંટણી પહેલાનું શક્તિ પ્રદર્શન ગણાવવા અંગે સવાલ કર્યો, ત્યારે વરુણ પટેલે જણાવ્યું કે આ માત્ર અપેક્ષિત આગેવાનોની આયોજનલક્ષી બેઠક હતી. સાચું શક્તિ પ્રદર્શન તો આગામી 30 દિવસમાં જૂનાગઢની ધરતી પર યોજાનારી જંગી રેલીમાં જોવા મળશે. આ ચિંતન શિબિરને સફળ બનાવવા માટે ગાંઠીલા મંદિરની યુવા સમિતિના અધ્યક્ષ વિનસ હદવાણી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
સમગ્ર શિબિર દરમિયાન ’જય ઉમિયા’ના નાદ સાથે પાટીદાર સમાજે પોતાની માંગણીઓ માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ચિંતન શિબિરથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે પાટીદાર સમાજ હવે સામાજિક પ્રશ્નોની સાથે રાજકીય ભાગીદારી માટે પણ આક્રમક મૂડમાં છે.
