સ્વચ્છતાની કામગીરી, કચરાનું પરિવહન અને વર્ગીકરણ કામગીરીની સમીક્ષા કરી
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે તા.31ના વોર્ડ નં. 3માં નવી બનાવવામાં આવેલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) ઓફિસની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે ઓફિસમાં ઉપલબ્ધ સુવિધાઓ, કામગીરીની વ્યવસ્થા તેમજ મેદાન સ્તરે ચાલી રહેલી સ્વચ્છતા સંબંધિત કામગીરી અંગે વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરી હતી. તથા જઠખ ઓફિસમાં ઉપલબ્ધ સાધનો, મશીનરી, વાહનો, કર્મચારીઓની કામગીરીની વ્યવસ્થા તેમજ દૈનિક કામગીરીની પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી. કચરાના સંગ્રહ, પરિવહન, વર્ગીકરણ (Segregation) અને નિકાલ સંબંધિત વ્યવસ્થાની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી.
વોર્ડ નં.3માં ચાલતી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી, ભીના અને સુકા કચરાના અલગ સંગ્રહ, રસ્તા સફાઈ, કોમર્શિયલ વિસ્તારો તથા જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે ચાલી રહેલા કાર્યોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સ્વચ્છતા કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓની ભૂમિકા અને સમયસર કામગીરી સુનિશ્ચિત કરવા બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની વિઝીટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા.
