શહેરમાં અનેક જગ્યાએ સરકારી કચેરીમાં એક કલાકના ચેકિંગમાં હેલ્મેટ વિનાના વાહનચાલકો પાસેથી દંડ વસૂલાતા રોષ
ટ્રાફીક શાખા દ્વારા અચાનક એક કલાક માટે સ્પેશિય ડ્રાઈવ યોજી હતી અને શહેરના અલગ અલગ સરકારી વિભાગો તેમજ સ્કૂલ, કોલેજ આસપાસ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફીક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા ખાતે ચેકીંગમાં હેલ્મેટ વિનાના અરજદારો અને કર્મચારીઓ સહિત 29 લોકો ઝપટે ચડયા હતાં અને 25 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. અચાનક આ ટ્રાફીક પોલીસના ચેકીંગમાં હેલ્મેટનો દંડ વસુલવામાં આવતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.
શહેરમાં ટ્રાફીક નિયમન ભંગ કરનાર વાહન ચાલકો સામે ચેકીંગ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાથી ટ્રાફીક પોલીસ આજે રસ્તાઓ પર ઉતરી પડી હતી. ખાસ કરીને સરકારી કચેરીઓ તેમજ શાળા-કોલેજની બહાર ટ્રાફીક પોલીસની અલગ અલગ ટીમોએ કડક ચેકીંગ કર્યુ હતું. માત્ર એક કલાક માટે હાથ ધરાયેલા આ ચેકીંગમાં અનેક વાહન ચાલકો તેમજ સરકારી કર્મચારીઓ ઝપટે ચડી ગયા હતાં. ખાસ કરીને હેલ્મેટના દંડ વસૂલવામાં આવતાં વાહન ચાલકોમાં કચવાટ સાથે રોષ જોવા મળ્યો હતો.
ટ્રાફીક પોલીસ દ્વારા મહાનગરપાલિકા, કલેકટર ઓફિસ, પોલીસ કમિશ્નર કચેરી, બહુમાળી ભવન, યુનિવર્સિટી સહિતનાં સરકારી વિભાગો ઉપરાંત આત્મીય કોલેજ સહિતનાં શૈક્ષણિક સંકુલોની બહાર આજે ચેકીંગ હાથ ધર્યુ હતું. લાયસન્સ વગર વાહન ચલાવતાં ઉપરાંત ફેન્સી નંબર પ્લેટ તેમજ પીયુસી કે જરૂરી દસ્તાવેજો વિના વાહન લઈને નીકળેલા વાહન ચાલકો ઝપટે ચડી ગયા હતાં. મહાનગરપાલિકા કચેરી ખાતે ચેકીંગમાં એક કલાકમાં 29 વાહન ચાલકો ઝપટે ચડયા હતાં. જેમાં સરકારી કામ માટે સરકારી કચેરીએ આવેલા અરજદારો સાથે સરકારી કર્મચારીઓ પણ ઝપટે ચડી ગયા હતાં. અને હેલ્મેટ વિનાના સરકારી કચેરીએ આવેલા 29 વાહન ચાલકો પાસેથી 25 હજારનો દંડ વસુલાયો હતો. માત્ર એક કલાકના ચેકીંગમાં મોટા ભાગે હેલ્મેટ વિનાના વાહન ચલાવતાં લોકો ઝપટે ચડતાં ટ્રાફીક પોલીસની આ ડ્રાઈવ સામે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
જે કરવું હોય તે કોર્પોરેશન કચેરીની બહાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નારાજ
રાજકોટ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં આજે પોલીસે હેલ્મેટ અંગે ચેકિંગ શરૂ કરી કર્મચારીઓ અને અરજદારોને રોકવાનું શરૂ કરતા દેકારો મચી ગયો હતો અને મામલો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સુધી પહોંચતા જયમીન ઠાકર મેદાનમાં દોડી આવ્યા હતા અને પોલીસને મહાનગરપાલિકાની પ્રિમાઇસીસની બહાર પોતાની કામગીરી કરવા સૂચના આપી હતી. વારંવાર કોર્પોરેશન કચેરીના દરવાજે આવી ઝુંબેશ ચલાવવા સામે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
