ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને ઉપલેટા શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ચાલી રહેલી ગંભીર ગેરરીતિઓ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે સત્તાધારી પક્ષના ઈશારે ચોક્કસ સમાજ (લઘુમતી) અને કોંગ્રેસના કમિટમેન્ટ વોટરોને ટાર્ગેટ કરી તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે 16 જાન્યુઆરી પછી અચાનક હજારોની સંખ્યામાં બોગસ ’ફોર્મ-7’ ભરવામાં આવ્યા છે.
લલિત વસોયા દ્વારા લેખિત આવેદનપત્રમાં ’રજીસ્ટ્રેશન ઓફ ઈલેકટર્સ રૂૂલ્સ 1960’ના નિયમો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપવામાં આવ્યો છે. આવેદનમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે આધાર-પુરાવા વગર રજૂ થયેલા તમામ ’ફોર્મ-7’ રદ કરવામાં આવે. ખોટી વાંધા અરજી કરનારાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-212, 216 અને 217 તથા છઙ અભિં મુજબ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. રજૂ થયેલા વાંધાઓની યાદી ’ફોર્મ-11’ મુજબ નોટિસ બોર્ડ પર જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવામાં આવે.
ઉપલેટા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવીને આ મામલે કારવાહી કરવાની માંગ કરી છે અને સાથે કોંગ્રેસે ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે તેવું જણાવ્યું છે
