6000 કિલોની ઘટ, રબારીકાના સસ્તા અનાજના પરવાનેદારનો પરવાનો રદ

રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. ઉપલેટા તાલુકાના રબારીકા ગામે આવેલી સસ્તા અનાજની…

રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. ઉપલેટા તાલુકાના રબારીકા ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં તપાસ દરમિયાન અનાજના જથ્થામાં મોટાપાયે ઘટ અને ગેરરીતિ સબબ દુકાનદારનો પરવાનો સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
વિગતો મુજબ, જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગની ટીમ દ્વારા રબારીકા ગામે આવેલી વારસંકિયા લક્ષ્મીબેન રામજીભાઈ સંચાલિત સસ્તા અનાજની દુકાનમાં ઓચિંતી તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સરકારી રેકોર્ડ અને પ્રત્યક્ષ સ્ટોક વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. અધિકારીઓની ગણતરીમાં ઘઉં, ચોખા, ખાંડ અને ખાદ્યતેલ મળીને કુલ અંદાજિત 6000 કિલો (6 ટન) જેટલા જથ્થાની ઘટ સામે આવી હતી.

જથ્થામાં ઘટ ઉપરાંત દુકાન સંચાલક દ્વારા વિતરણ વ્યવસ્થામાં અન્ય અનિયમિતતાઓ પણ આચરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જેને ગંભીરતાથી લઈ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીએ વારસંકિયા લક્ષ્મીબેન રામજીભાઈનો સસ્તા અનાજની દુકાનનો પરવાનો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *