જેતપુરમાં 77મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લાકક્ષાની શાનથી ઉજવણી

જેતપુરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ…

જેતપુરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ધ્વજવંદન કરીને, પ્રજાસત્તાક દિવસની શાન-બાન-આનથી ઉજવણી કરાઈ હતી. આ તકે ઉપસ્થિતોએ રાષ્ટ્રગાન ’જન ગણ મન’ની બેન્ડ સુરાવલી સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

આ કાર્યક્રમમાં મંત્રીએ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પરેડ કમાન્ડર પ્રોબેશનરી આઇ.પી.એસ. ઓફિસર પ્રખરકુમાર અને ઉપકમાન્ડર પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ મહિલા પોલીસ, અશ્વ દળ સહિત ગ્રામ્ય પોલીસ જવાનોની 05 ટીમોએ બેન્ડ સૂરના તાલે શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ કરી હતી. આ તકે સખી કેન્ટીન-સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, સામાજિક વનીકરણ, ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી, રાહવીર યોજના, પશુપાલન, આયુષ્માન ભારત યોજના, અભયમ્ હેલ્પલાઇન, પા પા પગલી યોજના, સ્માર્ટ વિલેજ પાવર ગ્રીડ વીથ રીન્યુબલ એનર્જી, જનરક્ષક વાન, ક્વિક રિસ્પોન્સ ટીમ જેવી થીમ આધારિત 11 જેટલા ટેબ્લોનું પ્રદર્શન કરીને લોકોને યોજનાકીય માહિતી અપાઈ હતી. ટેબ્લો પ્રદર્શિત કરનારી તમામ કચેરીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં.

આ અવસરે ગુજરાત સરકારના કૃષિ મંત્રી તથા રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ સૌને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે ભારતનું બંધારણ સ્વતંત્રતા, સમાનતા, ન્યાયની સાથે લોકશાહીની મહત્તા સમજાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જનહિતને કેન્દ્રસ્થાને રાખીને ’નેશન ફર્સ્ટ’ની કર્તવ્યભાવના સાથે ’વિકસિત ભારત’ તરફના માર્ગે આગળ વધી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને વર્ષ 2047માં વિકસિત દેશ બનાવવાનું વિઝન આપણને આપ્યું છે. ત્યારે રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’ની સંકલ્પનાને સાકાર કરવા પ્રયાસશીલ છે. રાજ્ય સરકાર સોમનાથ સ્વાભિમાન પર્વ, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી જેવા કાર્યક્રમ થકી ઇતિહાસ અને સંસ્કૃતિને સાથે રાખીને વર્તમાનમાં પ્રગતિ કરી રહી છે.રાજ્ય સરકાર ’સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ મંત્ર ચરિતાર્થ કરી રહી છે.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ’હિન્દ છોડો’ લડતમાં જોડાનારા સ્વાતંત્ર્ય સેનાની ધીરજલાલ રાવલ અને ’આઝાદ હિન્દ ફોજ’ના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. છગનભાઈ કટારીયાના પરિજનોને શાલ અને ચરખાની પ્રતિકૃતિથી સન્માનિત કરાયાં હતાં. ડોગ સ્કવોડ અને હોર્સ રાઇડિંગના દિલધડક કરતબો રજૂ થયાં હતાં, જેને નિહાળીને લોકો મંત્રમુગ્ધ થયા હતાં. દેશભક્તિપૂર્ણ માહોલમાં શાળાઓના વિદ્યાર્થીઓએ તલવાર રાસ સહિત ’માઈ તેરી ચુનરીયા લહેરાઈ’, ’સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્’ ગીતો પર સાંસ્કૃતિક નૃત્ય કૃતિઓ તથા કલાકારોએ ’મોરપીંછાળા શ્યામ છોગાળા’ જેવા ગીતો પર અડિંગો રાસ અને હુડો રાસ રજૂ કર્યા હતાં.

તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારા આશરે 70 સરકારી કર્મયોગીઓને પ્રમાણપત્ર આપીને, તેમનું બહુમાન કરાયું હતું. આ વેળાએ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાંત અધિકારી રાહુલ ગમારા, મામલતદાર આશિષભાઈ બાકલખિયા, અગ્રણી અલ્પેશભાઈ ઢોલરીયા સહિત અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *