રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) માં હાલ એક વિચિત્ર વિડંબણા જોવા મળી રહી છે. એક તરફ ’ડિજિટલ ઈન્ડિયા’ અને પારદર્શિતાની વાતો થઈ રહી છે, તો બીજી તરફ વાજબી ભાવના દુકાનદારો અને લાભાર્થીઓ ટેકનિકલ ખામીઓ અને તંત્રની જોહુકમી વચ્ચે સેન્ડવિચ બની રહ્યા છે. બાયોમેટ્રિક નિષ્ફળ જાય ત્યારે વિકલ્પ સ્વરૂૂપે મળેલ ’OTP’ (વન ટાઈમ પાસવર્ડ) સુવિધા હવે દુકાનદારો માટે મુસીબતનું કારણ બની ગઈ છે.
બાયોમેટ્રિકની મર્યાદા અને વ્યવહારિક મુશ્કેલીઓ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ મેળવતા મોટાભાગના લાભાર્થીઓ ખેત મજૂરો, શ્રમિકો, વૃદ્ધો અને અશક્ત બીમાર વ્યક્તિઓ છે. સખત મજૂરીને કારણે તેમના હાથની રેખાઓ ઘસાઈ ગઈ હોવાથી અથવા સર્વરના ધાંધિયા અને સ્લો સ્પીડને કારણે ફિંગરપ્રિન્ટ કેપ્ચર થતા નથી. આવા સમયે સરકાર અને UIDAI દ્વારા માન્ય ’OTP’ નો વિકલ્પ આશીર્વાદરૂૂપ બને છે. ગ્રાહકો પણ સમય બચાવવા OTPનો આગ્રહ રાખે છે, જેને નકારવું દુકાનદારો માટે મુશ્કેલ છે.
દુકાનદારોના એસોસિએશનના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા અનાજના ડાયવર્ઝનને રોકવા માટે ગ્રામ્ય તકેદારી સમિતિની રચના કરવામાં આવી છે. નિયમ મુજબ જથ્થો ઉતારતી વખતે બે સભ્યોના બાયોમેટ્રિક લેવાના હોય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, ત્યાં મામલતદાર કચેરી દ્વારા બાયોમેટ્રિકને બદલે OTP થી વેરિફિકેશન ચલાવી લેવામાં આવે છે. જો તકેદારી સમિતિ માટે OTP ચાલે, તો ગરીબ લાભાર્થી માટે કેમ નહીં? શું તકેદારી સમિતિના OTP થી કૌભાંડ ન થઈ શકે? આ બેવડા ધોરણો દુકાનદારોમાં રોષ જગાવી રહ્યા છે.
દુકાનદારોનો આક્ષેપ છે કે કોઈ પણ લેખિત પરિપત્ર વિના, માત્ર મૌખિક સૂચનાઓ આપીને OTP થી વિતરણ પર રોક લગાવવામાં આવી રહી છે. જે UIDAI અને આધાર એક્ટ-2016 ની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. વધુમાં, તંત્ર દ્વારા OTP થી થયેલા વિતરણના આંકડા અખબારોમાં છપાવીને દુકાનદારોને શંકાના દાયરામાં મૂકવામાં આવે છે, જેનાથી વેપારીઓની સામાજિક પ્રતિષ્ઠા ખરડાય છે.
’ફુલ પ્રૂફ’ સિસ્ટમ પર તંત્રને જ શંકા કેમ? આજની PDS સિસ્ટમ સંપૂર્ણપણે E-KYC અને આધાર વેરિફિકેશનથી સજ્જ છે. બોગસ રેશનકાર્ડ લગભગ નાબૂદ થઈ ગયા છે. છતાં તંત્ર પોતાની જ બનાવેલી ’ફુલ પ્રૂફ’ સિસ્ટમ પર શંકા કરી દુકાનદારોને ચોર સાબિત કરવા મથે છે, તે સમજ બહાર છે.દુકાનદારોની અસ્તિત્વ ટકાવવાની મથામણ ભૂતકાળમાં કેરોસીન વિતરકો (SKO) નું અસ્તિત્વ ખતમ કરાયું હતું, તે જ રીતે હવે FPS (વાજબી ભાવના દુકાનદારો) ને પણ ધીરે-ધીરે સિસ્ટમમાંથી બહાર કરવાના પેંતરા રચાઈ રહ્યા હોય તેવો ભય વેપારીઓ સેવી રહ્યા છે.
બીજી તરફ નવા માસના ચલણ ભરવાનું દબાણ કરાય છે. આ આર્થિક ભીંસ અને સતત હેરાનગતિને કારણે ઘણા દુકાનદારો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોનો ભોગ બની રહ્યા છે.અંતિમ માંગ વાજબી ભાવના દુકાનદારોની માંગ છે કે જો સરકાર OTP થી વિતરણ ઈચ્છતી ન હોય, તો સ્પષ્ટ લેખિત હુકમ બહાર પાડીને આ વિકલ્પ સિસ્ટમમાંથી બંધ કરી દેવો જોઈએ. જેથી ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ ન થાય. સરકાર આ અંગે વહેલી તકે સ્પષ્ટ નીતિ જાહેર કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
