જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં એક વાહન ચોરને પકડી પાડ્યો છે. જેની પૂછપરછ ના આધારે ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને પોલીસે ત્રણ બાઈક કબજે કર્યા છે. જામનગર શહેરના બેડી વિસ્તારમાંથી તેમજ જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી તાજેતરમાં અલગ અલગ ત્રણ મોટરસાયકલની ચોરી થઇ ગયાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથક તેમજ બેડી મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
જે ફરિયાદના અનુસંધાને જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ વાહન ચોર ને શોધી કાઢવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી, દરમિયાન એલસીબી ની ટુકડીને મળેલી બાતમીના આધારે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા આમિદ રજા ઉર્ફે આમિદ રીંગણો જાકુભાઈ ખોડ નામના શખ્સની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી ત્રણ નંગ ચોરાઉ મોટરસાયકલ કબજે કરી લીધા છે. જે ઉપરોક્ત ત્રણેય સ્થળેથી મોટરસાયકલ ની ચોરી કરી લીધી હોવાની કબુલાત કરી છે.
