અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન કરાતા મનપાની નિષ્ક્રિયતા સામે રહેવાસીઓમાં રોષ
રાજકોટ શહેરના નાના માવા રોડ વિસ્તારમાં આવેલ હરિદ્વાર હેવન, પાર્ક એવન્યુ સામેના રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી અનધિકૃત શેરડીના ફેરિયાઓ રોડ પર બેસી વ્યવસાય કરી રહ્યા છે. આ કારણે સતત ટ્રાફિકમાં અડચણ, ગંદકી, અવાજ પ્રદૂષણ તેમજ શેરડીનો કચરો ફેલાઈ રહ્યો છે, જેના કારણે વિસ્તારના રહેવાસીઓ ખાસ કરીને વડીલો અને નાના બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે રહેવાસીઓ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના RMC પોર્ટલ પર ત્રણ વખત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દુર્ભાગ્યવશ, કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કર્યા વિના ફરિયાદો બંધ કરી દેવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટરને પણ આ અંગે જાણ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી. પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે નાગરિકો નિયમિત રીતે ફરિયાદ નોંધાવે છે, ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા ગંભીરતાથી પગલાં કેમ લેવામાં આવતા નથી? શું રહેણાંક વિસ્તારોમાં અનધિકૃત ધંધાઓને ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે? વિસ્તારના રહેવાસીઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે માંગ કરે છે કે આ અનધિકૃત ફેરિયાઓ સામે તાત્કાલિક, કડક અને કાયમી કાર્યવાહી કરવામાં આવે, જેથી રહેણાંક વિસ્તારને આ દૈનિક તકલીફમાંથી મુક્તિ મળી શકે. જો તંત્ર દ્વારા આગળ પણ અવગણના કરવામાં આવશે, તો રહેવાસીઓ જાહેર હિતમાં વધુ કડક પગલાં લેવા મજબૂર બનશે.
