સ્યુસાઈડ નોટ લખી પોતાના જ કારખાનામાં ઝેર પી લેતાં સારવારમાં ખસેડાયો
શહેરનાં સોરઠીયાવાડી વિસ્તારમાં રહેતા કારખાનેદાર યુવાને કેન્સરની બિમારીથી કંટાળી પરસાણાનગરમાં આવેલા પોતાના જ કારખાનામાં સ્યુસાઈડ નોટ લખી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, સોરઠીયાવાડી શેરી નં.6માં રહેતાં અને પરસાણાનગર શેરી નં.4માં કલ્પેશ ઈન્ડસ્ટ્રીઝ નામે કારખાનું ધરાવતાં મનોજ દેવરાજભાઈ સરવૈયા (ઉ.42) નામના યુવાને આજે વહેલી સવારે કારખાનામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ મનોજભાઈનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર મનોજ બે ભાઈમાં નાનો અને તેને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેણે આપઘાતનો પ્રયાસ કર્યા પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે પરિવારને સંબોધી કેન્સરની બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. સ્યુસાઈડ નોટમાં તેણે લખ્યું હતું કે હવે મારામાં હિંમત નથી. કેમ કે મને પાછું કેન્સર થયું છે. હું મોંઢાનો દુ:ખાવો સહન કરીને થાકી ગયો છું જેથી આ પગલું ભરી રહ્યો છું.
નવાગામમાં દારૂની કુટેવ ધરાવતા યુવાનનો આપઘાત
નવાગામ દિવેલિયા પરામાં રહેતા અને દારૂની કુટેવ ધરાવતા વિપુલ નારણભાઈ શાસકિયા ઉ.વ.32 નામના યુવાને આજે બપોરે પોતાના ઘરે નવેરાની જાળીમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લી ધો હતો. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
