ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અસામાજિક તત્વોએ અપમાનિત કરી છે. અમદાવાદ રોડ પર આવેલી નેહરુ ચોકડી ખાતે રાતના અંધારાનો લાભ લઈ સરદાર પટેલની પ્રતિમાને ગુલાબી રંગની ટોપી પહેરાવવામાં આવી છે, જેને લઈને સમગ્ર દહેગામના લોકોમાં નારાજગી વ્યાપી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં અસામાજિક તત્વોની શરમજનક હરકત સામે આવી છે.જેમાં શહેરના વ્યસ્ત અમદાવાદ રોડ પર આવેલી નેહરુ ચોકડી ખાતે સ્થાપિત અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અજ્ઞાત તત્વોએ વિકૃત રીતે ગુલાબી રંગની ટોપી પહેરાવી અપમાનિત કરી છે.મળતી માહિતી મુજબ, અસામાજિક તત્વોએ રાત્રીના અંધારાનો લાભ લઈ આ કૃત્ય આચર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સવારના સમયે નાગરિકોની નજર જ્યારે પ્રતિમા પર પડી ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. સરદાર પટેલ જેવી મહાન હસ્તીની પ્રતિમા સાથે કરવામાં આવેલી આ હરકતને લોકો માત્ર મજાક નહીં પરંતુ રાષ્ટ્રના ગૌરવ પર થયેલો સીધો પ્રહાર ગણાવી રહ્યા છે.
આ બનાવથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને બીજી તરફ સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારોને ઝડપી તેમની સામે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.
