ભાષાના અવરોધના કારણે કોઇ વ્યક્તિની ન્યાય મેળવવાની પ્રક્રિયા અટકવી જોઇએ નહીં
ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લઈને ન્યાય પ્રક્રિયામાં માનવીય અભિગમ દાખવ્યો છે. સામાન્ય રીતે હાઈકોર્ટની તમામ કાર્યવાહી અંગ્રેજીમાં થતી હોય છે, પરંતુ એક જમીન વિવાદના કેસમાં હાઈકોર્ટે અરજદાર સામે હળવું વલણ અપનાવીને તેમને માતૃભાષા ગુજરાતીમાં રજૂઆત કરવાની વિશેષ મંજૂરી આપી છે.
અરજદારની આ લાચારીને ધ્યાને રાખીને હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ભાષાના અવરોધને કારણે કોઈ પણ વ્યક્તિની ન્યાય મેળવવાની પ્રક્રિયા અટકવી જોઈએ નહીં. કોર્ટે અરજદારને મોટી રાહત આપતા જણાવ્યું હતું કે તેઓ કાનૂની સેવા સત્તા મંડળના વકીલની મદદથી ગુજરાતીમાં પોતાની રજૂઆત કરી શકશે. જમીનને લગતા આ ગંભીર કેસમાં જ્યારે અરજદારે પોતે જ દલીલો કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કોર્ટે તેમની ભાષાકીય મર્યાદાને સમજીને આ છૂટ આપી હતી.
હાઈકોર્ટના આ વલણથી સામાન્ય લોકોમાં ન્યાયતંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. કાનૂની નિષ્ણાતો આ નિર્ણયને આવકારી રહ્યા છે, કારણ કે ઘણીવાર પ્રતિભાશાળી દલીલો હોવા છતાં ભાષાના અભાવે સામાન્ય નાગરિકો પોતાની વાત રજૂ કરી શકતા નથી. હવે, કાનૂની સેવાના વકીલની નિમણૂક સાથે અરજદાર ગુજરાતીમાં કેસ લડી શકશે. આ કિસ્સો સાબિત કરે છે કે ન્યાયતંત્ર માત્ર કાયદાના પુસ્તકોથી નહીં પણ સામાન્ય માણસની પરિસ્થિતિને સમજીને કાર્ય કરી રહ્યું છે.
