સમગ્ર ગુજરાતમાં યોજાયેલ બર્ડ રેસના કાર્યક્રમ દરમિયાન અહીંના ડાંગ જિલ્લામાં 72 પક્ષીઓની પ્રજાતિ દેખાઈ, જેમાં ગુજરાતમાં જવલ્લે જોવા મળતું ઓરેન્જ બ્રેસ્ટેડ ગ્રીન પીજીયન પણ દેખાયું હતું. ગુજરાતમાં રવિવારે બર્ડ રેસ કાર્યક્રમ યોજાયો હતો,જે અંતર્ગત અહીંના ડાંગ જિલ્લામાં પણ થયો અને અહીં પક્ષીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ડાંગમાં કરાયેલ નિરીક્ષણ દરમિયાન ગુજરાતમાં જવલ્લે જોવા મળતું પક્ષી ઓરેન્જ બ્રેસ્ટેડ ગ્રીન પીજીયન (કેસરી છાતીવાળું હરિયલ) પણ દેખાયું હતું. આ પક્ષી મહદ્અંશે ભારતના અન્ય ભાગો, પૂર્વ એશિયામાં જોવા મળે છે. ગુજરાતમાં એક યા બે વખત ભૂતકાળમાં ગીર, ડાંગમાં જ જોવાયેલ નોંધાયું છે.
બર્ડ રેસ દરમિયાન આ પક્ષીને યેલો ફૂટેડ ગ્રીન પીજીયન સાથે જોવાયું અને કેમેરામાં કેદ થયું. અહીં ઉલ્લેખનીય છે કે વાંસદા નેશનલ પાર્ક વિસ્તારમાં નિરીક્ષણ કરાયું તેમાં આદિત્ય રોય સહિત અન્યો પણ જોડાયા અને 72 વિવિધ પ્રજાતિ નોંધાઈ હોવાનું જાણવા મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે, ઓરેજન્જ બ્રેસ્ટેડ ગ્રીન પીજીયનના પગ ગુલાબી અને બીજા પીજીયન કરતા પક્ષી પ્રમાણમાં નાનુ છે.
બર્ડ રેસના કાર્યક્રમમાં રાજ્યમાં 360 જણાએ નોંધણી કરાવી 85 ટીમોએ ભાગ લીધો હતો. એક સાથે રાજ્યમાં ઘણી જગ્યાએ પક્ષીઓનું નિરીક્ષણ થયું તેમાં એક જ દિવસે 375 જેટલી પક્ષીઓની પ્રજાતિઓ નોંધાઈ હતી.
