ગરીબોના હક્કનું પૂરૂ અનાજ ફાળવાતું નથી, રેશનિંગના વેપારીઓની મુખ્યમંત્રીને રજૂઆત

રાજ્યના અંત્યોદય રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજના જથ્થામાં થતા અન્યાય અને કાયદાકીય જોગવાઈઓના ભંગ બદલ ‘ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશન’ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને…

રાજ્યના અંત્યોદય રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજના જથ્થામાં થતા અન્યાય અને કાયદાકીય જોગવાઈઓના ભંગ બદલ ‘ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશન’ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશનનો આક્ષેપ છે કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-2013 (NFSA) હેઠળ નક્કી થયેલા નિયમોનું ઉલ્લંઘન કરી ગરીબ પરિવારોને પૂરતું અનાજ આપવામાં આવતું નથી.
પત્રમાં જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અંત્યોદય કાર્ડ ધારકોને કુટુંબ દીઠ ઓછામાં ઓછું 35 કિલો અનાજ આપવાની જોગવાઈ અમલમાં હતી. ત્યારબાદ NFSA-2013 મુજબ વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવાનું નક્કી થયું છે. જોકે, ગુજરાતમાં હાલ મહત્તમ 35 કિલોની મર્યાદા બાંધી દેવામાં આવી છે.

એસોસિએશને ઉદાહરણ આપતા જણાવ્યું કે: જો કોઈ અંત્યોદય કુટુંબમાં 10 સભ્યો હોય, તો વ્યક્તિ દીઠ 5 કિલો મુજબ તેમને 50 કિલો અનાજ મળવું જોઈએ. પરંતુ, હાલ રાજ્યમાં મહત્તમ 35 કિલોની મર્યાદા લાગુ હોવાથી આ ગરીબ પરિવારને 15 કિલો અનાજ ઓછું મળે છે. જે પરિવારોમાં 7 થી વધુ સભ્યો છે, તેમને આ નીતિના કારણે સીધો અન્યાય થઈ રહ્યો છે.

એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ બી. જાડેજાએ જણાવ્યું છે કે ગરીબ લાભાર્થીઓ વ્યક્તિ દીઠ મળવાપાત્ર અનાજની માંગણી કરે છે, જ્યારે સરકારી સોફ્ટવેર અને નિયમો મુજબ 35 કિલોથી વધુ જથ્થો આપી શકાતો નથી. આ વિસંગતતાને કારણે રેશનકાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે સીધું ઘર્ષણ થઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી આ બાબતે અનેક મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં નિયામક કચેરી દ્વારા કોઈ સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો નથી.

પત્રમાં ટાંકવામાં આવ્યું છે કે સરકાર વિશાળ ફંડ વાપરી રહી છે, પરંતુ આવા નીતિગત પ્રશ્નોના નિરાકરણના અભાવે ગ્રાહકો અને દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે, જેનાથી ક્યાંક રાજ્ય સરકારની છબી ખરડાઈ રહી છે. આ બાબતે સત્વરે નિર્ણય લઈ ગરીબોને તેમના હકનું અનાજ મળે તેવા આદેશ આપવા વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *