યાત્રાધામ દ્વારકાના મુખ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને 56 સીડી રોડ, ગોમતી રોડ અને જોધાભા ચોક હોમગાર્ડ ચોક ભદ્રકાલી ચોક જેવા વિસ્તારોમાં અવાર નવાર ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે.
આ વિસ્તાર દ્વારકાધીશ મંદિર તરફ જવાનો મુખ્ય માર્ગ હોવાથી અહીં હજારોની સંખ્યામાં યાત્રિકો અવર જવર કરે છે. અત્યંત ખેદજનક બાબત એ છે કે, દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને ના છૂટકે ગટરના આ ગંદા પાણીમાં પગ મૂકીને મંદિરે જવું પડે છે. જેના કારણે મંદિરની પવિત્રતા જળવાતી નથી અને ભગવાનના દર્શને જતા ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. પવિત્ર મન અને શરીરે દર્શન કરવા જતા ભાવિકો માટે આ ગંદકીમાંથી પસાર થવું ખૂબ જ પીડાજનક બની ગયું છે.
આ ઉપરાંત, ગંદકીના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો અને વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર નિદ્રાધીન છે. આથી, સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓની માંગ છે કે નગરપાલિકા તંત્ર યાત્રાધામ ની ગરિમા જાળવવા તાત્કાલિક ધોરણે આ ગટર ઉભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે.
