અંજારમાં મકર સંક્રાંતિના પર્વે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના મકલેશ્વર વિસ્તારમાં રહેતો 20 વર્ષીય યુવાન પતંગ ચગાવવાના આનંદ વચ્ચે વીજ કરંટનો ભોગ બનતા તેનું કરુણ મોત નીપજ્યું છે. લોખંડના સળિયા વડે વીજ થાંભલામાં ફસાયેલી પતંગ કાઢવા જતાં યુવાનને જોરદાર કરંટ લાગ્યો હતો, જે તેના માટે જીવલેણ સાબિત થયો હતો. અંજારના મકલેશ્વર વિસ્તારમાં રહેતા 20 વર્ષીય ભૂમિકગીરી નિલેશગીરી ગોસ્વામી બુધવારે સવારે 10 વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમિયાન એક પતંગ નજીકના વીજ થાંભલામાં ફસાઈ ગઈ હતી.
ભૂમિકગીરી લોખંડના સળિયા વડે આ પતંગ કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક સળિયો જીવતા વીજ વાયરને અડી જતાં તેને વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો હતો.ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં ભૂમિકગીરીને તાત્કાલિક સારવાર અર્થે અંજારની શ્યામસુંદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. જે બાદ લાશને પીએમ માટે અંજાર સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસ સ્ટેશનના એએસઆઈ બંસીબેન કોઠીવારે નોંધ કરી છે. બનાવની ગંભીરતાને જોતા પીએસઆઈ બી.એસ. ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે. યુવાનના અવસાનથી આભ તૂટી પડ્યું છે.
