રાજકોટ શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને પતંગ બજારોમાં છેલ્લી ઘડીએ ખરીદીનો માહોલ જામ્યો હતો.ત્યારે રાજકોટની સદર બજારમાં પતંગો અને દોરી તેમજ અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.જેના કારણે પતંગ બજારોમાં લોકોને પગ મૂકવાની જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.મોડી રાત સુધી છેલ્લી ઘડી સુધી બજારોમાં લોકો દ્વારા ખરીદી કરવામાં આવી હતી.
તો બીજી તરફ શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી હતી.તેમજ ભીડને કાબુમાં લેવા પોલીસે કડકાઈ અભિગમ અજમાવ્યો હતો અને હળવો લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો હતો.તેમજ ખાસ કરીને મોબાઈલ ચોર અને ખિસ્સાકાતરૂૂઓથી બચવા માટે પોલીસ દ્વારા લાઉડસ્પીકર પર સતત એનાઉન્સમેન્ટ કરીને લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં હતી.ઉત્તરાયણની ખરીદીના ઉત્સાહમાં લોકો પોતાની કિંમતી ચીજવસ્તુઓ પ્રત્યે બેદરકાર ન રહે અને કોઈ પણ આર્થિક નુકસાનનો ભોગ ન બને તે હેતુથી પોલીસ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાથી સદર બજારમાં ખિસ્સા કાતરુંઓ પર નજર રાખવામાં આવી હતી.
તેમજ રાત્રે 12 વાગ્યાના સુમારે સદર બજારમાં ભીડ બેકાબુ બની હતી અને આજુબાજુના વિસ્તારો પારસી અગીયારસી ચોક અને લીમડા ચોકમાં ટ્રાફિક જામ થતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા અને સદર બજારમાં આવેલી દુકાને બંધ કરાવવી પડી હતી.
