જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજ્સીટોકનો આરોપી ધીરેન અજમેરથી ઝડપાયો

ધીરેનની ટોળકી મારામારી, આર્થિક ગુનાઓ, એટ્રોસિટી અને ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા જેવા ગુના આચરતી ધીરેન કારિયાની ગેંગ વિરૂધ્ધ ગુજરાતમાં 61 ગુના નોંધાયેલા છે છેલ્લા ઘણા સમયથી…

ધીરેનની ટોળકી મારામારી, આર્થિક ગુનાઓ, એટ્રોસિટી અને ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા જેવા ગુના આચરતી

ધીરેન કારિયાની ગેંગ વિરૂધ્ધ ગુજરાતમાં 61 ગુના નોંધાયેલા છે

છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી રહેલો અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેરથી ઝડપી પાડ્યો છે. આરોપી પોલીસથી બચવા રાજસ્થાનમાં આશરો લઈ રહ્યો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે તેને દબોચી લીધો છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જ્યારે ધીરેનની નજીક પહોંચી ત્યારે તે ચા પીતો હતો. પોલીસે દબોચીને કહ્યું કે, ધીરેન તારો સમય પૂરો થઈ ગયો.

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજસ્થાનના અજમેર શહેરમાં ધામા નાખ્યા હતા. અજમેરના આદર્શ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાઈને રહેતા ધીરેન કારીયાને પોલીસે ચોકસાઈપૂર્વક ગોઠવેલી જાળમાં ઝડપી લીધો હતો. જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2025માં ધીરેન કારીયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી વિરુદ્ધ ગુજસીટોક (GCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ધીરેન કારીયા વિસાવદર પોલીસ સ્ટેશનમાં પણ 68 લાખનો દારૂૂ જે પકડાયો હતો તે કેસમાં ફરાર હતો. ધીરેન કારીયાની ટોળકી માત્ર પ્રોહિબિશન જ નહીં, પરંતુ અન્ય અનેક ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલી હતી. ધીરેન અને તેની ટોળકી મારામારી, આર્થિક ગુનાઓ, એટ્રોસિટી અને ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા જેવા ગુના આચરતી હતી.

ધીરેન જૂનાગઢ સી-ડિવિઝનના ગુજસીટોકના ગુના ઉપરાંત એ-ડિવિઝન અને વિસાવદર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં પણ વોન્ટેડ છે. ધીરેન કારીયા એટલો શાતિર હતો કે તે પોલીસ અને કોર્ટ બંનેની કાર્યવાહીથી બચતો રહ્યો હતો. આ મામલે રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ દ્વારા તેની ધરપકડ માટે ઇગજ કલમ-72 હેઠળ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં તે હાથ ન આવતા, કોર્ટે આખરે ઇગજ કલમ-84 મુજબ તેને ’ફરારી જાહેર’ કરતું જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. ગુજસીટોકના આરોપમાં ગુનાહિત ટોળકીના અન્ય સભ્યોની જૂનાગઢ પોલીસે અગાઉ જ ધરપકડ કરી લીધી હતી અને તેમની વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી હતી. માત્ર મુખ્ય સૂત્રધાર ધીરેન કારીયા જ નાસતો-ફરતો હતો, જે હવે પોલીસના સકંજામાં છે.

આ અંગે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, LCB PI કે. એમ. પટેલ અને PSI ડી. પી. ભાટીની ટીમે બાતમીના આધારે અજમેરના આદર્શનગર વિસ્તારમાંથી આરોપીને હસ્તગત કર્યો હતો, જેને આજે જૂનાગઢ લાવી ભેસાણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં અરેસ્ટ કરવામાં આવ્યો છે.
આરોપી ધીરેન કારિયા અને તેની ગેંગ વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં કુલ 61 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મોટાભાગના પ્રોહિબિશનના ગુનાઓ છે.

આ ગેંગ પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી વિદેશી દારૂૂ મંગાવી તેનું વેચાણ કરતી હતી, જેમાં પકડાઈ ન જવા માટે તેઓ વાહનોની નંબર પ્લેટ અને રજિસ્ટ્રેશન નંબરો સાથે ચેડાં કરતા હતા. હાલમાં તે જૂનાગઢ સી-ડિવિઝનના ગુજસીટોકના ગુના ઉપરાંત એ-ડિવિઝન અને વિસાવદર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં પણ વોન્ટેડ છે. તપાસ દરમિયાન ડુપ્લીકેટ સીમકાર્ડના ઉપયોગ જેવી બાબતોમાં પણ તેની સંડોવણી સામે આવી છે, જે અંગે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવી વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *