જાહેર માર્ગો ઉપર પોલીસની ઘોંસથી અનેકે રસ્તા બદલ્યા છતાં ઝપટે ચડયા ; અનેક વાહનો ડિટેન
ખુદ પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ મેદાનમાં ઉતર્યા
31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂર્વ રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા ના માર્ગદર્શન હેઠળ શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.છેલ્લા અઠવાડિયામાં પોલીસે વ્યાપક કાર્યવાહી કરી 200થી વધુ શખ્સો સામે કાયદેસરના પગલાં ભર્યા છે.શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી સંપન્ન થાય તે હેતુથી શહેરના તમામ સંવેદનશીલ સ્થળો પર પોલીસ તૈનાત કરવામાં આવી હતી.આ બંદોબસ્તમાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શનમાં 15થી વધુ પીઆઈ,50થી વધુ પીએસઆઈ સહિત 1200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
ગઇકાલે રાત્રે થર્ટી ફસ્ટનાં અનુસંધાને મોડીરાત્રે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ . આ ચેકીંગ દરમ્યાન ખુદ પોલીસ કમિશનર બ્રજેશ ઝા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ક્રાઇમ બ્રાંચનાં પીઆઇ ગોંડલીયા , પીઆઇ ડામોર, પીઆઇ જાદવ અને એસઓજી પોલીસ મથકનાં સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ.
આ ચેકીંગ કોટેચા ચોક, ગ્રીન લેન્ડ ચોકડી, ઇન્દીરા સર્કલ, નાના મવા સર્કલ, કાલાવાડ રોડ, રેસકોર્સ રીંગ રોડ, માધાપર ચોકડી , ગોંડલ ચોકડી, આજીડેમ ચોકડી, રૈયા ચોકડી, યુનીવર્સીટી રોડ પાસે અલગ અલગ પોઇન્ટ પર ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ. આ દરમ્યાન પોલીસે પ0 થી વધુ લોકોને પીધેલી હાલતમા ઝડપી લીધા હતા જેમા બજરંગ પાર્કનાં જયેશ પાટડીયા, આર્ય નગરનાં અવિનાશ મેર , કુવાડવા રોડ તીર્થ રેસીડેન્સીમા રહેતા વેપારી ભાવેશ સોમમાણેક , ભગીરથ સોસાયટીનાં પકંજ કારેણા, મયુરપરી ગોસ્વામી, બીપીન પરસોડા, કાળીપાટનાં હિતેશ મેર, દશરથભાઇ પરમાર સહીતનાઓ પીધેલી હાલતમા ઝડપાય ગયા હતા પોલીસે તમામને સિવીલ હોસ્પીટલે લઇ જઇ મેડીકલ ટેસ્ટ કર્યા હતા. તેમજ અનેક વાહનો ડીટેઇન કરવામા આવ્યા હતા. ત્યારબાદ શહેરભરનાં અલગ અલગ પોલીસ મથકનાં સ્ટાફે પોતાનાં વિસ્તારમા આવતા ચેકીંગ પોઇન્ટ પર વાહનો અને બ્લેક ફીલ્મ વાળી કારને અટકાવી તલાસી લીધી હતી અને કારનાં કાળા કાચ ઉતાર્યા હતા તેમજ અમુક શખ્સો છરી અને ધોકા જેવા હથીયાર સાથે પણ પકડાયા હતા.
તેઓની સામે હથીયાર ધારા ભંગ હેઠળ કાર્યવાહી કરવામા આવી હતી. તેમજ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમા ચેકીંગ કરતા પાચ થી છ શખ્સો દેશી દારુ અને ઇંગ્લીશ દારુ સાથે પકડાતા પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.
માદક પદાર્થના ધંધામા સંડોવાયેલા શખ્સો પર પોલીસે ખાસ નજર રાખી
થર્ટી ફસ્ટ અનુસંધાને યુવાઓમા નવા વર્ષને આવકારવા માટે ઉજવણી કરવામા આવી હતી આ ઉજવણી દરમ્યાન યુવાનો ડ્રગ્સનુ સેવન ન કરે માટે રાજકોટ શહેર એસઓજી દ્વારા ખાસ પ્રકારનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા રાજકોટ શહેરમા માદક પદાર્થ જેવા કે ડ્રગ્સનાં ધંધા સાથે સંકળાયેલા પેડલરો પર એસઓજીની ટીમનાં માણસોએ ખાસ નજર રાખી હતી અને તેઓ પર છેલ્લા અઠવાડીયા સુધી પેડલરો કયા જાય છે અને કોને મળે છે તેની સઘળી હકીકત એસઓજી દ્વારા રાખવામા આવતી હતી.
હોટલ અને રીસોર્ટમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ
રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાનાં માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમ દ્વારા રાજકોટ શહેરની ભાગોળે આવેલી તમામ હોટલ અને રીસોર્ટમા ખાસ ચેકીંગ કરવામા આવ્યુ હતુ તેમજ હોટલમા રહેલા રજીસ્ટરને પણ ચેક કરવામા આવ્યા હતા અને હોટેલનાં સંચાલકોને જણાવવામા આવ્યુ હતુ કે કઇપણ શંકાસ્પદ જણાય તો તુરંત પોલીસને જાણ કરવી જો કે આ ચેકીંગ દરમ્યાન પોલીસને કઇ પણ ખાસ મળી આવ્યુ નહોતુ.
