ઓખા-રાજકોટ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન માટે વ્યાપક લોક માંગ
ખંભાળિયા શહેર તથા આસપાસના વિવિધ પ્રશ્નો સંદર્ભે અહીંની બિન રાજકીય એવી નાગરિક સમિતિ દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ વિવિધ માંગ કરવામાં આવી છે.
ખંભાળિયા – જામનગર હાઈવે પર શહેર નજીક આવેલા ધરમપુર ટોલ ગેઈટ પાસે ખંભાળિયા અને દ્વારકા તરફ જતા રસ્તા સૂચવતા સાઈન બોર્ડ વ્યવસ્થિત રીતે નજર પડે તેમ મૂકવામાં આવ્યા નથી. આ ઉપરાંત ટોલ ગેઈટના સેન્સર ખૂબ જ ધીમા હોય, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા તથા પીક અવરમાં વાહન ચાલકોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડે છે.
આ ઉપરાંત નજીકના પેટ્રોલ પંપ વાળો માર્ગ કે જે કાનૂની અડચણના કારણે ઘણા સમયથી પૂર્ણ થયો નથી. તે બાબતનું નિરાકરણ આવે તો ખંભાળિયાથી જામનગર તરફ જતા વાહન ચાલકોને ખૂબ જ રાહત બની રહે.
અગાઉ ઓખાથી રાજકોટ તરફ જવા માટે ચાલતી ટ્રેન રેલવે તંત્ર દ્વારા કોવિડ પરિસ્થિતિમાં બંધ કરી દેવામાં આવી હતી. હાલ વધતા જતા ટ્રાફિક તેમજ લોકોની જરૂૂરિયાતોને ધ્યાને લઈ ઓખાથી રાજકોટ વચ્ચે નિયમિત રીતે દિવસમાં એક-બે ઇન્ટરસિટી અને ડેમુ ટ્રેન દોડાવવામાં આવે તેવી પણ વ્યાપક લોકમાંગ ઉઠવા પામી છે.
આ મુદ્દે ખંભાળિયાના તજજ્ઞો, પ્રબુદ્ધ નાગરિકોની બિન રાજકીય એવી નાગરિક સમિતિ દ્વારા વિવિધ માંગ કરવામાં આવી છે.
