આહુજા આઈસ્ક્રીમના સંચાલકને બાળ મજૂરી કરાવવી ભારે પડી : છ માસ જેલમાં ધકેલાયા

રાજકોટમાં જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી આહુજા આઈસ્ક્રીમ નામની પેઢીમાં કામ કરતાં બાળ મજુરને શ્રમ અધિકારી દ્વારા દરોડો પાડી મુકત કરવામાં આવ્યો હતો. જે કેસ ચાલવા…

રાજકોટમાં જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી આહુજા આઈસ્ક્રીમ નામની પેઢીમાં કામ કરતાં બાળ મજુરને શ્રમ અધિકારી દ્વારા દરોડો પાડી મુકત કરવામાં આવ્યો હતો. જે કેસ ચાલવા પર આવતાં કોર્ટે આહુજા આઈસ્ક્રીમના સંચાલકને બાળ મજુરી કરાવવાના ગુનામાં તકસીરવાન ઠેરવી છ માસની સજા અને રૂા.20 હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં જંકશન પ્લોટ વિસ્તારમાં વર્ષો જુની આહુજા આઈસ્ક્રીમ નામની પેઢીમાં બાળ મજુર કામ કરતો હોવાની બાતમીના આધારે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આહુજા આઈસ્ક્રીમ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં 13 વર્ષના બાળકને આહુજા આઈસ્ક્રીમના માલીક ચંદ્રકાંતભાઈ આહુજાએ હેલ્પર તરીકે કામ પર રાખ્યો હોવાનું સામે આવતાં બાળકને મુકત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ અંગે આહુજા આઈસ્ક્રીમના સંચાલક ચંદ્રકાંત રાધાકિશન આહુજા વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા તપાસ પૂર્ણ થતાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતાં બન્ને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ કોર્ટે બાલ મજુરી કરાવવાના ગુનામાં આહુજા આઈસ્ક્રીમના સંચાલક ચંદ્રકાંત આહુજાને તકસીરવાન ઠેરવી છ માસની સજા અને રૂા.20 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *