સિવિલમાં તબીબ પર હુમલો કરનાર સામે ગુનો નોંધાયો, સરઘસ કાઢવા માગણી

  ગઇકાલે તબીબોએ મેડિકલ કોલેજ ખાતે દેખાવો કર્યા બાદ પોલીસે હોટેલના કર્મચારી સામે ગુનો નોંધ્યો સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના ત્રીજા માળે ગઈકાલે રાત્રે રેસિડેન્ટ…

 

ગઇકાલે તબીબોએ મેડિકલ કોલેજ ખાતે દેખાવો કર્યા બાદ પોલીસે હોટેલના કર્મચારી સામે ગુનો નોંધ્યો

સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના ત્રીજા માળે ગઈકાલે રાત્રે રેસિડેન્ટ ડોકટર પાર્થભાઈ જયેશભાઈ પંડયા (ઉ.વ.28, રહે. માલવીયાનગર મેઈન રોડ)ને જયદિપ ચાવડા નામના દર્દીના સગાએ બેફામ બની, મારકૂટ કરતાં તબીબોમાં રોષ ભભૂકી ઉઠયો છે. એટલું જ નહીં ફરજ પરના સિકયુરીટી ગાર્ડની ભૂમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ કર્યો છે.તેમજ આરોપીનું અન્ય આરોપીઓની જેમ જ સરઘસ કાઢવામાં આવે તેવી તબીબોએ માંગણી કરી હતી.

પ્ર.નગર પોલીસે ડો.પંડયાની ફરિયાદ પરથી આરોપી જયદિપ ચાવડા સામે સરકારી કર્મચારીની ફરજ દરમિયાન મારકૂટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ડો.પંડયાએ પોલીસને જણાવ્યું કે ન્યુરો સર્જન તરીકે છ માસથી અને જનરલ સર્જરી વિભાગમાં સાડા ત્રણ વર્ષથી ફરજ બજાવે છે. ગઈકાલે રાત્રે ન્યુરો સર્જરી વિભાગમાં ઈન્ચાર્જ રેસિડેન્ટ ડોકટર તરીકે નોકરી હતી.

મોટી ટાંકી ચોક ખાતે બીનય થાપા નામનો દર્દી અકસ્માતમાં ઘવાતા માથામાં ગંભીર ઈજાઓને કારણે દાખલ થયો હતો. તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેને સિવિલની બ્લડબેંકમાંથી બે બોટલ લહી ચડાવવામાં આવ્યું હતું. બીનય નેપાળી છે. તેના કોઈ નજીકના સગા હાજર ન હોવાથી સમાજના આગેવાનો હાજર હતા. એક બોટલ બ્લડ પરત કરવા માટે તેના સમાજના આગેવાનોને કહ્યું હતું.જેથી તેમની સાથે રહેલા જયદિપ ચાવડાએ લેખિતમાં આપવાનું કહ્યું હતું.આ બાબતે તેને સમજાવતાં ઉશ્કેરાઈ જઈ ગાળો ભાંડવાનું શરૂૂ કર્યું હતું. ગાળો નહીં બોલવાનું અને શિસ્તમાં રહેવાનું છે.જેને કારણે સિકયુરીટી ગાર્ડને બોલાવતાં તેને સમજાવીને લઈ ગયા હતા.થોડી વાર બાદ મેડિકલ ઓફિસર ધૃવાબેન ઠકકરે કોલ કોલ કરી કહ્યું કે કે જયદિપ ચાવડા તેની પાસે આવ્યો છે અને તેના પ્રશ્નનું નિરાકરણ કરી સમજાવી દીધો છે.

રાતના 12.30 વાગ્યે તે ત્રીજા માળે ડેસ્ક પર ફાઈલો જોતાં હતા ત્યારે ત્યાં જયદિપ ચાવડા આવ્યો હતો. તેને આ પ્રતિબંધિત વિસ્તાર છે, પરમિશન વગર પ્રવેશ ન કરી શકાય તેમ કહેતાં ઉશ્કેરાઈ જઈ, બેફામ ગાળો ભાંડી હતી. ફરીથી ગાળો નહીં બોલવાનું કહેતાં જાનથી મારી નાખવાની ધમકી આપી, ટેબલથી અંદર કૂદી ફડાકા માર્યા હતા. જેને કારણે ચકકર આવી ગયા હતા. આમ છતાં માથાનાં વાળ પકડી નીચે પાડી દઈ ગડદાપાટુનો બેફામ માર માર્યો હતો. આસપાસના લોકો આવી જતાં ત્યાંથી ભાગી ગયો હતો.બીજી તરફ આ સમગ્ર ઘટના અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સિવિલના સત્તાવાળાઓ દ્વારા કમિટિની રચના કરવામાં આવી છે.

આરોપીને પકડી પોલીસને સોંપવાનું કહેતા સિક્યોરિટી ગાર્ડે તેને લિફ્ટમાંથી ભગાડી દીધો!
ડો.પંડયાએ ફરજ પરના સિકયુરીટી ગાર્ડની ભૂમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ કર્યો છે.તેણે જણાવ્યું કે,આરોપીએ હુમલો કર્યો એ વખતે તેણે ત્રણ વખત સિકયુરીટી ગાર્ડને બોલાવતાં આરોપીએ કહ્યું કે મારે તેની સાથે વાત થઈ ગઈ છે.તેના સિનિયરો અને વાલીઓ સ્થળ પર હાજર હોવા છતાં આરોપીએ પાંચ દિવસમાં જામીન પર છૂટી જઈશ તેવી ધમકી આપી હતી. હુમલા બાદ તેણે સિકયુરીટી ગાર્ડને આરોપીને પોલીસને સોંપવાનું કહ્યું હતું.આમ છતાં સિકયુરીટી ગાર્ડે એરોપીને પકડી રાખવાને બદલે લીફટમાંથી જવા દીધો હતો.આ સ્થિતિમાં સિકયુરીટી ગાર્ડની ભૂમિકા તપાસવાની માગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *