ચોટીલા હાઇવે પર હોટેલો-દુકાનો પર બુલડોઝર ફર્યા

રૂા.28 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવતા પ્રાંત અધિકારી, સ્ટાફ ક્વાર્ટર બનાવી લાંબા સમયથી દબાણો હતા ચોટીલા તાલુકાના ખેરડી ગામે નેશનલ હાઈવે 47 પર આવેલી ત્રણ…

રૂા.28 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવતા પ્રાંત અધિકારી, સ્ટાફ ક્વાર્ટર બનાવી લાંબા સમયથી દબાણો હતા

ચોટીલા તાલુકાના ખેરડી ગામે નેશનલ હાઈવે 47 પર આવેલી ત્રણ હોટલો તેમજ તેમની આસપાસની દુકાનોમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. આ હોટલો ખાતે બાયોડીઝલ, ડીઝલ ચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો પણ તંત્રને મળી હતી.

સરકારી સર્વે નંબર 224/પૈકી 1 (નવો સર્વે નંબર 605) પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ જમીન પર મંગળુ ખાચર દ્વારા વર્ષ 2001થી ’શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ’ બનાવીને 4 એકર જમીનનો કબજો કરવામાં આવ્યો હતો. જેમાં 1 એકર જમીન પર પાકું બાંધકામ હતું. આ હોટલ તેમજ તેમની હોટલની બાજુમાં ચા, પંચર, પાન મસાલા, કરિયાણાની દુકાનો, રહેઠાણ માટેનો બંગલો, સ્ટાફ ક્વાર્ટર અને ઘોડાસર (ઘોડાઓ માટેનો તબેલો) સહિતના ગેરકાયદેસર બાંધકામો ઉભા કરાયા હતા. આ કાર્યવાહીમાં શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ, 7 દુકાનો (ચા, પાન મસાલા, પંચર, કરિયાણા), 1 રહેઠાણનો બંગલો, 3 સ્ટાફ ક્વાર્ટર અને ઘોડાસર સહિતના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આશરે 12 કરોડ 94 લાખ 56 હજાર રૂૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ ઉપરાંત, મહેન્દ્ર ખાચર દ્વારા વર્ષ 2001થી 3 એકર જમીન પર ’વીર વચ્છરાજ હોટલ’ બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું. આ હોટલમાં પણ ચા, પંચર, પાન મસાલાની દુકાનો અને હોટલ સ્ટાફ ક્વાર્ટર જેવા ગેરકાયદેસર પાકા બાંધકામો ઉભા કરાયા હતા. તે બાંધકામ સરકારી જમીનમાંથી દુર કરાવી આશરે 10,62,40,000 (અંકે રૂૂપિયા દસ કરોડ બાસઠ લાખ ચાલીસ હજાર પુરા) કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ ઉપરાંત પટના બિહાર બલવીર હોટલ કે જેનું ક્ષેત્રફળ એકર 1-16 ગુ.(3.5 વિઘા) પર કબજો કરી ઉપયોગ કરવામાં આવે છે. જે જમીન પર સુરેશ ખાચરે વર્ષ 2001થી હોટલ બનાવી અનઅધિકૃત રીતે દબાણ કર્યું હતું. અહિં પણ ચા, પંચર તથા પાન મસાલાની દુકાનો, હોટલ સ્ટાફ ક્વાર્ટર વિગેરેનું બાંધકામ કરાયું હતું તેને દૂર કરાયું છે. દબાણકર્તાઓને 26 ડિસેમ્બર 2025ના રોજ જગ્યા ખાલી કરવા માટે આખરી નોટિસ આપવામાં આવી હતી, જેની મુદત 28 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 2 વાગ્યે પૂર્ણ થઈ હતી. દબાણ સ્વયં દૂર ન થતાં, આજે બપોરે 3 વાગ્યે નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે કાર્યવાહી કરી હતી.

ઉક્ત તમામ ગેરકાયદેસર બાંઘકામનુ કુલ ક્ષેત્રફળ એકર 8-29 ગુઠા( 22 વિઘા) જમીન થાય છે. જેનું હાલની બજાર કિંમત રૂૂ. 28,12,24000 કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ ગેરકાયદેસર પાકા બાંધકામ 25 વર્ષથી કરેલ છે તે અંગે વાર્ષિક 1 ટકાના દરે કુલ 25 વર્ષની વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *