છેલ્લા 15 દિવસમાં ચાંદીમાં 40 હજાર રૂપિયાનો તોતીંગ વધારો નોંધાયો
31 ડિસેમ્બરે 2024ના દિવસે ચાંદીનો ભાવ 86,000 હતો જે આજે 2,26,000 પર પહોંચ્યો
સોના-ચાંદીમાં અવિરત તેજી આજે પણ ચાલુ રહી છે. ગઈકાલે ચાંદીના ભાવમાં જોરદાર વધારો આજે પણ યથાવત રહ્યો છે. આજે ચાંદીમાં 3500 રૂા.વધતાં ચાંદીનો ભાવ સવા બે લાખને પાર થઈ ગયો છે. આજે સવારના સટ્ટામાં જ ચાંદીમાં વૈશ્ર્વિક ખરીદીનો માહોલ જોવા મળતાં ચાંદીમાં આજે પણ નવો હાઈ જોવા મળ્યા હતાં.
આજે એમસીએકસમાં ચાંદીનો ભાવ 223450 જોવા મળ્યો હતો. આજે પણ ચાંદીમાં પ્રતિ ઔંસનો ભાવ 72.27 ડોલર સુધી પહોંચતાં રાજકોટની બજારમાં ચાંદીનો ભાવ 2,26,500 સુધી પહોંચી ગયો છે. ચાંદીની વાત કરીએ તો માત્ર 11 દિવસમાં જ ચાંદી એક કિલોએ 33,000નો ભાવ વધારો જોવા મળ્યો છે અને છેલ્લા 15 દિવસમાં ચાંદીના ભાવમાં 40,000 રૂા.નો વધારો નોંધાયો છે. 10 ડિસેમ્બરે ચાંદીનો ભાવ 1,85,000 હતો જે આજે 2,26,500 સુધી પહોંચ્યો છે. આ વર્ષની વાત કરીએ તો સોનુ 60,000 અને ચાંદી 1,25,100 રૂા. મોંઘી બની છે.
31 ડિસેમ્બરનાં રોજ 1 કિલો ચાંદીનો ભાવ માત્ર 86,020 હતો જે હવે 2,26,000ને પાર થઈ ગયો છે. બીજી બાજુ આજે સોનામાં પણ 500 રૂા.નો વધારો નોંધાયો હતો જેને લઈને રાજકોટમાં સોનાનો ભાવ 1,41,600 સુધી જોવા મળ્યો હતો. આવનારા દિવસોમાં ચાંદીનો ભાવ 2.50 લાખ સુધી પહોંચવાની પ્રબળ સંભાવના છે. જ્યારે સોનુ 1.50 લાખને પાર કરી જશે.
શેરબજારમાં આજે સેન્સેકસ 110 પોઈન્ટ, નિફટી 39 પોઈન્ટ વધી છે. કુલ શેરની સંખ્યાના 1624 શેર ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યાં છે. આવતીકાલે નાતાલની રજા હોવાને કારણે માર્કેટમાં કોઈ મોટી હિલચાલ જોવા મળી નથી.
